Western Times News

Gujarati News

મુંબઇની હોસ્પિટલમાં નવજાત શિશુ ઉપર જટિલ હાર્ટ સર્જરી હાથ ધરાઇ

~ મુંબઇમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં નવજાત શિશુ ઉપર જટિલ હાર્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઇ ~ ઇરાકના બ્લુ બાળકે મુંબઇમાં સારવાર માટે કોવિડના પડકારોને પાર કર્યાં

મુંબઇ, ઓક્ટોબર 16, 2020: જન્મજાત હ્રદય રોગ સાથે ઇરાકમાં જન્મેલા બાળકે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં સફળ હાર્ટ સર્જરી માટે મુંબઇ સુધી પહોંચવાના લાંબા અંતર જેવાં મોટા પડકારને પાર પાડ્યો હતો. ડી-ટીજીએ અથવા ડેક્સ્ટ્રો-ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટ આર્ટરિઝ તરીકે ઓળખાતી સ્થિતિ સાથે જન્મેલા એક મહિનાના બાળકનું ઓપરેશન કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટર ખાતે ડાયરેક્ટર ડો. સુરેશ રાવના નેતૃત્વ હેઠળ સ્પેશિયલાઇઝ્ડ પિડિયાટ્રિક કાર્ડિઆક સર્જરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ડી-ટીજીએમાં હ્રદયની બે મુખ્ય વાહિનીઓ એરોટા અને પલ્મોનરી ધમનીને તેની સામાન્ય સ્થિતિમાંથી ફેરવવામાં આવે છે, જેથી ખામીને સુધારી શકાય. આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ (હ્રદયની દિવાલમાં કાણું) ક્લોઝર સાથે આર્ટ્રિયલ સ્વિચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળક સ્વસ્થ થઇ ગયું છે અને તેના ખુશ માતા-પિતા ગુલાબી બાળક સાથે ઘરે પરત ફરવાની રાહ જોઇ રહ્યાં છે.

ડો. સુરેશ રાવે જણાવ્યું હતું કે, જન્મ સમયે બાળકનો રંગ બ્લુ હતો અને રિપોર્ટ્સ મૂજબ તેનું કારણ અત્યંત જટિલ હ્રદયની સ્થિતિ હતી. સાદી ભાષામાં કહીએ તો બાળકના શરીરમાં રક્તનો પુરવઠો રિવર્સ હતો. અંદાજે 5000માંથી 1 બાળકમાં આ પ્રકારની જન્મજાત સ્થિતિ જોવા મળે છે અને સફળ સર્જરી વિના સ્થિતિ જીવલેણ બની હોત. ભારતમાં નવજાત શિશુઓ અને શિશુઓમાં આ સર્જરી સામાન્ય છે અને જન્મના બે દિવસથી લઇને બે સપ્તાહમાં સર્જરી કરવામાં આવે છે. જોકે, ઇરાકમાં સર્જીકલ નિપૂંણતા ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકના પિતાના ભારતીય મિત્રના સલાહ થી તેને કોકિલાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.

બાળકના રિપોર્ટ્સ ડો. સુરેશ રાવને મોકલવામાં આવ્યાં હતાં અને ચીફ પિડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડો. સ્નેહલ કુલકર્ણી સાથે સમીક્ષા કર્યાં બાદ પરિવારને સલાહ આપવામાં આવી કે બાળકનું બને તેટલું જલ્દી ઓપરેશન કરવું જરૂરી છે. જોકે, આ વચ્ચે કેટલાંક પડકારો પાર કરવા જરૂરી હતી. કોવિડ મહામારીને કારણે અનિશ્ચિત સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અભાવમાં ભારતની મુસાફરી કરવું મૂશ્કેલ હતું. નવજાત બાળકનો પાસપોર્ટ ન હતો, જે મેડિકલ વિઝા માટે આવશ્યક હોય છે. ભારતીયદુતાવાસની માનવતાને આધારે વિઝાની વ્યવસ્થા કરી અને સારવાર માટે પરિવાર ભારત આવ્યો.

ડો. રાવે ઉમેર્યું હતું કે, વિલંબની સ્થિતિમાં હ્રદયમાં કરાયેલાં ફેરફાર સર્જરી બાદ પણ પરિભ્રમણને ટેકો આપવામાં અસમર્થ રહેતું. સદભાગ્યે બાળક બીએએસ (બલૂન આર્ટ્રિયલ સેપ્ટોસ્ટોમી) નામની પ્રાથમિક પ્રક્રિયામાંથી પસાર થયું, જે ઇરાકના સ્થાનિક હોસ્પિટલમાં સ્ટેબિલાઇઝિંગ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીકલ પ્રક્રિયા હતાં. તેનાથી ઓક્સિજનનું સ્તર વધ્યું અને બાળકને ભારતની ફ્લાઇટ માટે તૈયાર કરી શકાયું.

નવો પાસપોર્ટ મેળવવો, સ્થાનિક ભારતીય દૂતાવાસમાંથી મેડિકલ વિઝા મેળવવો અને આખરે ભારત જતી ફ્લાઇટમાં સીટ મેળવવી વગેરે મોટા પડકાર હતાં, પરંતુ પોતાના બાળકની સારવાર માટે પરિવાર તેની ઇચ્છાશક્તિ અને દ્રઢનિશ્ચયથી તમામ અવરોધોને પાર કરીને 24 સપ્ટેમ્બર 2020ના રોજ મુંબઇ પહોંચ્યું.

મુંબઇ આવતા વધુ એક ટ્વિસ્ટ આવ્યું. બાળકની માતા કોવિડ પોઝિટિવ ટેસ્ટ થઇ અને તેને ક્વોરન્ટાઇન થવું પડ્યું. સદભાગ્યે બાળક અને તેના પિતા નેગેટિવ ટેસ્ટ થયાં. જોકે, તેના પિતાને પણ સંપર્કમાં આવવાને કારણે આઇસોલેશનમાં રહેવું પડ્યું અને બાળકને આઇસીયુમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું. તેનાથી પ્રક્રિયામાં વધુ એક સપ્તાહનો વિલંબ સર્જાયો.

પ્રક્રિયા વિશે સમજાવતાં ડો. રાવે જણાવ્યું હતું કે, વિલંબને કારણે દિવાલ પાતળી પડી જતાં સર્જરી અને લાંબા સમય સુધી આઇસીયુમાં રહેવા બાદ બાળકમાં કોમ્પલિકેશનનું જોખમ વધુ હતું. આથી અમે વધુ રાહ ન જોવાનું નક્કી કર્યું. જરૂરી તમામ સાવચેતી અને તૈયારીઓ સાથે અમે 30 સપ્ટેમ્બરે કરેક્ટિવ સર્જરી હાથ ધરી.

ધમનીઓને યોગ્ય સ્થિતિમાં ગોઠવવામાં આવી. હ્રદયની કોરોનરી ધમનીને સાચી ધમની સાથે જોડવી અત્યંત મહત્વપૂર્ણ હતું. પ્રારંભિક 48 કલાક નિર્ણાયક હતાં અને જરૂર પડ્યે અમે ઇસીએમઓ (એક પ્રકારના લાઇફ સપોર્ટ) સાથે બાળકને સપોર્ટ કરવા સજ્જ હતાં. સદનસીબે બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને તેને માત્ર દવાઓ અને આઇસીયુ કેરની જ જરૂર પડી.

કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ માતા-પિતા સમક્ષ ઘણાં અવરોધો હતાં તેમ છતાં તેઓ ઘણી આશા સાથે ઇરાકથી કેડીએએચ આવી પહોંચ્યાં હતાં. અમને ખુશી છે કે અમારા ડોક્ટર્સની સ્પેશિયલાઇઝ્ડ ટીમ સમયસર સફળ સારવાર દ્વારા તેમના બાળકને બચાવવા સક્ષમ રહ્યાં. અમે સારવાર માટે ભારત આવેલા દર્દીને સહયોગ અને મદદરૂપ બનવા બદલ સરકારી તંત્રના આભારી છીએ. કેડીએએચ કોવિડ મહામારી વચ્ચે પણ જરૂરિયાતમંદ તમામ લોકોને હેલ્થકેર ડિલિવરી પ્રદાન કરવા માટે હંમેશા કટીબદ્ધ રહ્યું છે.

બાળકના પિતા તારેક થામેરે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અહીં મને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ કોકિલાબેન હોસ્પિટલનો આભાર. ભારતમાં અમારા આગમનથી લઇને તમામ બાબતોનું યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની સેવાઓ ખુબજ સારી છે. હું વિશેષ કરીને ડો. સુરેશ રાવનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા એક મહિનાના બાળક ઉપર જટિલ સર્જરી કરી, જે મારા દેશમાં ઉપલબ્ધ નથી. હું ઇરાક પરત ફર્યાં બાદ પણ ડો. રાવના સંપર્કમાં રહીશ.

હાલમાં બાળક તંદુરસ્ત છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાળકના માતા પિતા ટ્રાવેલ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થયાં બાદ પરત ફરવાની રાહ જોઇ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.