Western Times News

Gujarati News

મોડાસા, મેઘરજ પંથકમાં સતત ત્રીજા દિવસે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદે ખેતીનો સોથ વાળ્યો,ખેડૂતો પાયમાલ 

શિયાળાના આગમન-ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.અરવલ્લી જીલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ખેતરોમાં કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. જેના લીધે વરસાદ ખાબકેલ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ત્રણ દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે મોડાસા અને મેઘરજ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ખેતી પલળી જતા કફોડી સ્થિતીમાં મુકાયા છે

અરવલ્લી જીલ્લાના મોટા ભાગના વિસ્તારમાં અચાનક વરસાદની અણધારી એન્ટ્રી થતા ખેડૂતોના તૈયાર થયેલા પાક નિષ્ફળ જવાના એંધાણ સર્જાતા ખેડુતોના જીવ તાળવે ચોટયા છે.

વરસાદની ઋતુ ધીરે ધીરે પૂર્ણ થવાના આધારે છે અને શિયાળાની શરૃઆત થઇ રહી હોવાથી શરદ ગરમની ઋતુ થતા દિવસે ગરમી અને સવારના ફુલ ગુલાબી ઠંડીનો એહસાસ થઇ રહ્યો છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી સખત ગરમી પડી રહી હોવાથી વરસાદ આવવાના એંધાણ થયા હતા.

જેથી હાલમાં મગફળી અને કપાસ જેવા પાકો તૈયાર થઈ ગયા હોવાથી વરસાદથી બગડી જવાના ભય જગતનો તાત ગણાતા ખેડૂતોમાં વ્યાપી ગયેલ હતો જ્યારે ધારણા મુજબ અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળ ગોરંભયા હતા. અને વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો.સોમવારે મોડાસાના મરડીયા અને મેઘરજના ઇપલોડા પંથકમાં  તો રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અને ખેતરોમાં પાણી ભરાયા હતા વરસાદથી ગરમી સામે રાહત તો મળી હતી

પરંતુ તૈયાર થયેલ પાક બગડવાની દહેશત થઇ રહી છે. અરવલ્લી જીલ્લામાં  જાણે કુદરત રૃઠયો હોય તેમ છેલ્લા ચાર વર્ષથી કોઇ પણ ઋતુમાં પાક તૈયાર થાય છે અને વરસાદ તેનો બગાડ કરવા જરૃર આવે છે માટે ખેડૂતો દર વર્ષે મોટું નુકસાન ભોગવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.