Western Times News

Gujarati News

વરસાદથી મગફળી સડી જતાં ૨૦ વીઘાના પાકને સળગાવ્યો

જૂનાગઢ, રાજ્યમાં ફરી વરસેલા કમોસમી વરસાદના કારણે જગતાના તાત ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે અને જેના પાક ખેતરમાં ઊભા હતા તે સડી ગયા છે. દરમિયાન જૂનાગઢના વંથલીમાં આવેલા શાહપુરના એક ખેતરનો હ્યદય દ્વાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ખેતરમાં મગફળીના પાકને આગ લગાડીને નાશ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે. ખેડૂતના ખેતરમાં વાવેલી ૨૦ વીઘા જેટલી મગફળી કમોસમી વરસાદના કારણે સડી જતા તેને નાશ કરવાનો વારો આવ્યો હતો.

ખેડૂત પાસે આ મગફળી બાળી નાખવા સિવાય બીજો કોઈ ચાર બચ્યો નથી. જૂનાગઢ પંથકમાં બે દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે ત્યારે હાસમભાઈ નામના ખેડુતે મગફળીના પાથરા સળગાવી દીધા હતા. ચાલુ વર્ષે જૂનાગઢ જીલ્લામાં ૧૦૦%થી વધુ વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોના કપાસ અને મગફળીનાં પાક ફેઈલ થયા છે, અને હાલમાં ખેડૂતો ને બેવડો માર પડ્યો છે. એક તો અવીરત વરસાદને લઈ ને ખેડુતોને પાકનાં બીયારણ, દવા, અને મજરી પણ માથે પડી છે અને હવે જ્યારે ખેતરમાંથી મગફળી કાઢી ને અમુક ખેડૂતો એ પાથરા કર્યા હતા તે પણ કમોસમી વરસાદને લઈ ને પલળી ગયા હતા સાથે પશુઓ માટેનાં ચારાને પણ નુકશાન થતા પોતાના પશુ ઓને કેમ સાચવવા તેની મૂંઝવણ ખેડૂતોને સતાવી રહી છે.

જૂનાગઢ શહેરમાં પણ કમોસમી વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે પણ જૂનાગઢ પંથકમાં આસોમાં અષાઢી માહોલ સર્જાયો હતો અને વીજળીનાં ચમકારા અને ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ગિરનાર પર્વત પર બે ઈંચ જેટલો વરસાદ પડતાં સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ બે કાંઠે છલકાઈ ગયો હતો અને ભારે પૂર આવ્યુ હતું. હવામાન ખાતા ની જે આગાહી હતી તે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. તિર્થગોરોને કુંડમાં મગર દેખાતાં વન વિભાગને જાણ કરી હતી. મગરને કુંડમાંથી બહાર કાઢી અને રેસ્ક્યુ હાથ ધરાયું હતું.

ચાર કલાકની જહેમત બાદ અંદાજે સાડા ચાર ફુટની મગરને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. વન વિભાગ દ્વારા મગરને હસ્નાપુર ડેમમાં સલામત રીતે છોડવામાં આવ્યો હતો. ગિરનાર પર્વતમાળામાં વરસાદ બાદ સોનરખ નદીમાં પાણીના પ્રવાહમાં સરીસૃપો અને મગરો તણાઈ આવતાં હોય છે. આવી જ રીતે તણાઈ આવેલી એક મગરને રેસ્ક્યુ કરી ફરી સલામત સ્થળે કુદરતને ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.