Western Times News

Latest News from Gujarat

કાંકરીયા રાઈડ્‌સ દુર્ઘટનાના કોન્ટ્રાક્ટરને શિરપાવ અપાશે

કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાના બદલે વધુ રાઈડ્‌સ માટે મંજૂરી આપવાનો તખ્તો તૈયાર

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી નજીક આવતાં જ માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવાની પરંપરા શરૂ થઈ જાય છે. જેમાં સારા-નરસાનો ભેદ પણ પારખવામાં આવતો નથી. કાંકરીયા ખાતે બે વર્ષ અગાઉ રાઈડ્‌સ તૂટી જતાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા તથા ૨૯ કરતા વધુ વ્યક્તિને ઈજા થઈ હતી. આ ગોઝારી ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરના લાઈસન્સ અને તમામ કોન્ટ્રાક્ટ રદ કરવાના બદલે તેના અન્ય કોન્ટ્રાક્ટ યથાવત રાખવામાં આવ્યાં છે. જ્યારે ચોંકાવનારી બાબત એ છે કે બે નિર્દાેષ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવતા સુપર એમ્યુઝમેન્ટ લી. દ્વારા વસ્ત્રાપુર ખાતે નવા રાઈડ્‌સ મૂકવા માટે સ્ટેન્ડિંગ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મ્યુનિ.શાસકોની રહેમનર વિના આ બાબત શક્ય ન હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

કાંકરીયા બાલવાટિકા પાસે ૨૦૧૮ના વર્ષમાં રાઈડ્‌સ તૂટી પડતા બે વ્યક્તિના મૃત્યુ થયાં હતા તેમજ ૨૯ વ્યક્તિને ઈજા થઈ હતી જે પૈકી લગભગ ત્રણથી ચાર નાગરીકોને ગંભીર કહી શકાય તેવી ઈજાઓ થઈ હતી. મ્યુનિ.શાસકપક્ષ અને વહીવટીતંત્ર દ્વારા તે સમયે “જવાબદારોને છોડવામાં નહીં આવે” તેવા દાવા કરવામાં આવ્યા હતાં. પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં એકપણ અધિકારીને જવાબદાર જાહેર કરવામાં આવેલી તપાસમાં એકપણ અધિકારીને જવાબદાર જાહેર કરવામાં આવ્યાં નથી. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને નક્કી કરેલ રાઈડ્‌સ કરતા વધારાની રાઈડ્‌સ મૂકવા તથા ટેકનીકલ રીતે “સબ સલામત” હોવાના સર્ટી.ઝૂ સુપ્રિ. દ્વારા આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.

પરંતુ રાઈડ્‌સના બદલે અધિકારીને સલામત જાહેર કરવામાં આવ્યા હતાં. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ સામે પોલીસ ફરીયાદ થઈ હતી તથા તેના માસિક અને કર્તાહર્તાની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સમયે પણ કોર્પાેરેશન દ્વારા કોઈ આકરા પગલાં લેવામાં આવ્યા ન હતા. તથા સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ લી.ના અન્ય સ્થળે ચાલતા કોઈ જ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા ન હતા. શહેરીજનોની જીંદગીના જાેખમે વસ્ત્રાપુર તળાવ સહિત અન્ય સ્થળે તેમના એમ્યુઝમેન્ટ પાર્ક ચાલી રહ્યા છે. તથા નવા રાઈડ્‌સ મૂકવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ વસ્ત્રાપુર તળાવ ખાતે હજી પણ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ લી.નો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. કોન્ટ્રાક્ટરે એમ્યુઝમેન્ટ પાર્કમાં હયાત રાઈડ્‌સ ઉપરાંત મોટી એક અને નાની ૧૨ રાઈડ્‌સ લગાવવા માટે માંગણી કરી છે. મ્યુનિ.કમિશનર દ્વારા સદર માંગણી સ્ટે.કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કાંકરીયા ખાતે મોટી દુર્ઘટના થયા બાદ પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા નથી. તે આઘાતજનક બાબત છે.

બે વ્યક્તિના મૃત્યુ બાદ પણ કોન્ટ્રાક્ટ શા માટે ચાલુ રાખવામાં આવ્યા છે ? તેનો જવાબ શાસક પક્ષે આપવા જરૂરી છે. રોડ તૂટવા બદલ કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટ થાય છે તો આ કિસ્સામાં બે નિર્દાેષ વ્યક્તિના મૃત્યુ થયા છે તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ જવાબદાર અધિકારીને પણ “સેફ-પેસેજ” આપવામાં આવ્યાં છે. રાજકીય સંબંધો સાચવવામાં માનવતા નેવે મૂકવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers