Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન સત્સંગ સભા યોજાઈ : કોરોના વાયરસ રુપી રાવણનું દહન કરીએ. : સાધુ પ્રેમવત્સલદાસજી

– દશેરા એટલે રાવણ દહનની સાથે આપણામાં રહેલા દોષોનું દહન કરવું જોઈએ.
– દશેરાએ વાસના રુપી દોષને સળગાવાની જરુર છે.

તા.રર ઓક્ટોબર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા ઓનલાઈન સત્સંગ સભા યોજવામાં આવી હતી. જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ખરા અર્થમાં દશેરા પર્વ ની ઉજવણી ક્યારે કરી કહેવાય ? તે ઉપર પ્રભાવશાળી પ્રવચન આપ્યું
હતું અને ત્યારબાદ મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, દશેરાના પર્વ ઉપર આપણે કોરોના વાયરસ રુપી રાવણનું દહન કરવું જોઈએ.જેમ રાવણે અનેકને પીડા આપી હતી તેમ કોરોના વાયરસ અનેકને પરેશાન કરી રહયો છે. ત્યારે આપણે તેની સામે લડવા
માટે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ,સોશિયલ ડીશન્ટસ રાખવું જોઈએ,વારંવાર હાથ ધોવા જોઈએ એ આદિ શસ્ત્રો નો ઉપયોગ કરીને આપણે તેની સામે લડવું જોઈએ.

આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસને દશેરા તરેકી ઉજવવામાં આવે છે.આ દશેરાના દિવસે ઠેર ઠેર વર્ષોથી રાવણનું દહન કરવામાં આવે છે.

પરંતુ જાણે રાવણ બળતો જ ના હોય અને વૃઘ્ધિ પામતો હોય તેમ આજેય સમાજમાં રાવણવૃત્તિ વધતી જતી હોય તેમ દેખવામાં આવે છે. આપણે આપણામાં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો જ આપણે દશેરા ઉજવી એ સાર્થક બનશે.
આજે માણસની ઈચ્છાનો ભંગ થતાં માણસ તરત કોધ કરી ઉઠે છે.આ ક્રોધે કંઈકના ઘર સળગાવ્યા છે. પતિ અને પત્ની વચ્ચે સ્હેજ બોલાચાલી થાય અને ઘર સંસાર સળગી જાય છે.આવા કોધથી સૌ કોઈએ સાવધાન થવાની જરુર છે.

લોભ રુપી દોષ માણસોના સદ્ગુણોને ડુબાડી દે છે. પૈસાના લોભે કરીને આજે માણસ લાંચ રુશ્વત લે છે.આજે લાંચ રુશ્વત એ આપણા દેશની મોટી બદી બની ચૂકી છે.આપણે તેમાંથી બહાર આવવાની જરુર છે. ભગવાન સૌને પેટ ભરવા પૂરુતું આપી જ રહે છે. સંતોષ રુપી ગુણ આવે તો આ લોભમાંથી બહાર નીકળી શકાય તેમ છે.

અહંકાર રુપી દોષ પણ માનવે માનવે જોવા મળે છે.પોતાનો સ્હેજ ઈગો ઘવાય કે,તરત જ માણસ ઝઘડો કરી બેસે છે. કોઈકનું કાંઈ પણ બોલેલું આપણે સહન કરી શકતા નથી.તેના પરીણામે ઘર અને સમાજમાં ઝઘડા થાય છે.થોડું જતું કરવાની આપણા સૌ કોઈમાં ભાવના જાગૃત્ત થાય તો આ દોષથી આપણે મુકત જઈ શકીએ.

આપણામાં જે કોઈ પ્રકારની વાસના હોય તેને આપણે ટાળવી જોઈએ. આવા,તો આપણામાં અનેક દોષો રહેલા છે. આ દોષોનું આપણે આ દશેરાએ દહન કરીશું, તો આપણે ખરા અથમાં દશેરા ઉજવી કહેવાશે અને એના કારણે આપણે આપણી આધથ્યાત્મિક કેડીને કંડારી શકીશું અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખને પામી શકીશું…..

અંતમાં કુમકુમ મંદિરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જયાં સુધી આપણામાં દોષો હોય,વાસના હોય ત્યાં સુધી ભગવાનની સમેપી રહી શકાતું નથી, ભગવાનના સુખને પામી શકાતું નથી. તેથી દોષોને ટાળી ભગવાનની ભક્તિ કરવી જોઈએ તો જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સુખને પામી શકાય છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.