Western Times News

Gujarati News

ત્રણ મહિનામાં ૩.૭૫ કરોડ ચાઈનીઝ મોબાઇલ વેચાયા

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સૌથી મોટો હિસ્સો શાઓમી પાસે, ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ કંપનીઓનો દબદબો

નવી દિલ્હી, ભારતમાં સ્માર્ટફોન બજારમાં ફરી રોનક આવી છે. સપ્ટેમ્બર મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં પાંચ કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. આ વેચાણમાં ચાઈનીઝ કંપનીઓનો માર્કેટ શેર ૭૬ ટકા રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદે તંગદિલી સર્જાઈ તે પછી દેશભરમાં ચાઈનીઝ કંપનીઓના બહિષ્કારનું એલાન થયું હતું, કેટલાય સ્થળોએ ચાઈનીઝ વસ્તુઓની હોળી કરવામાં આવી હતી તો ઘણી જગ્યાએ ચીનની મોબાઈલ કંપનીઓના બોર્ડ દુકાનો પરથી ઉતરાવી લેવડાયા હતા. પરંતુ હવે લાગે છે કે આ બધું માત્ર દેખાડાનું હતું કારણકે આંકડા કંઈક બીજું જ બતાવી રહ્યા છે.

આંકડાઓ જોતાં સ્પષ્ટ થાય છે કે, ચાઈનીઝ કંપનીના મોબાઈલ હજી પણ ધૂમ વેચાઈ રહ્યા છે અને દેશમાં વેચાતા દર ચારમાંથી ત્રણ સ્માર્ટફોન ચાઈનીઝ કંપનીના છે. સ્માર્ટફોનની ટોચની પાંચ કંપનીઓ શાઓમી, સેમસંગ, વીવો, રિયલમી અને વીવોના શિપમેન્ટમાં ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ આ વખતે વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે આ સમયગાળામાં ૪.૬ કરોડ યુનિટ વેચાયા હતા.

જ્યારે આ વખતે આ સમયગાળામાં પાંચ કરોડ યુનિટના વેચાણ સાથે આઠ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કોઈ એક ક્વાર્ટરમાં સ્માર્ટફોનના વેચાણમાં વૃદ્ધિનો રેકોર્ડ છે, તેમ રિસર્ચ ફર્મ કેનાલિસ દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ૨૬.૧ ટકા હિસ્સા સાથે શાઓમી માર્કેટ લીડર રહ્યું છે. શાઓમીના ૧૩.૧ મિલિયન યુનિટ વેચાયા છે. તો બીજા સ્થાને ૧૦.૨ મિલિયન યુનિટ (૨૦.૪ ટકા માર્કેટ શેર)ના વેચાણ સાથે સેમસંગ છે. વીવોનો માર્કેટ શેર ૧૭.૬ ટકા (૮૮ લાખ યુનિટનું વેચાણ), રિયલમીનો ૧૭.૪ ટકા (૮૭ લાખ યુનિટનું વેચાણ) અને ઓપ્પોનો માર્કેટ શેર ૧૨.૧ ટકા (૬૧ લાખ યુનિટનું વેચાણ) રહ્યો છે.

તો આ તરફ એપલના આઈફોનની માગ પણ ભારતમાં વધી છે. આ ત્રિમાસિક ગાળામાં એપલે આશરે ૮ લાખ આઈફોન ભારતમાં વેચ્યા છે. કેલિફોર્નિયાની આ કંપનીને પ્રમોશનલ ઓફર્સ અને ભારતમાં ઓનલાઈન સ્ટોર ખોલવાનો ફાયદો મળ્યો છે. જો કે, આ ત્રિમાસિક ગાળામાં ભારતીય બજારમાં દબદબો તો ચાઈનીઝ કંપનીઓનો જ રહ્યો તેમ કહી શકાય કારણકે કુલ સ્માર્ટફોન શિપમેન્ટનો ૭૬ ટકા હિસ્સો આ કંપનીઓનો હતો. એક વર્ષ પહેલા આ હિસ્સો ૭૪ ટકા હતો, તેમ કેનાલિસે નિવેદનમાં જણાવ્યું છે. જો કે, જૂન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળા કરતાં વેચાણ થોડું નીચું રહ્યું હતું. જૂનના ત્રિમાસિક ગાળામાં ચાઈનીઝ કંપનીઓનો શેર ૮૦ ટકા હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.