Western Times News

Gujarati News

UN મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હ્રદયરોગના દર્દી બાળકોની સારવાર માટે અલાયદી વ્યવસ્થાનો શુભારંભઃ નીતિનભાઈ પટેલ

નવા પ્રકલ્પ અંગેની ભૂમિકા આપતા નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ આ યુ.એન.મહેતા હોસ્પિટલના નવીનીકરણની જવાબદારી અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, આરોગ્ય સચિવ શ્રી જ્યંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેને સોંપાઈ હતી, જે તેમણે સુપેરે પાર પાડી છે તે અભિનંદનને પાત્ર છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે કીડની,લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ હવે નજીકના સમયમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ અહી ચાલુ કરવામાં આવશે.જેનો લાભ જરૂરિયાત મંદ દર્દીઓને મળતો થશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ હોસ્પિટલને  રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ પૂરી પાડવામાં આવતી હોઈ દર્દીઓની સારવારનો 80 ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે, સિવિલ સંકુલમાં આવેલ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે બાળકો માટે રૂા.૪૭૦ કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલ ૮૫૦ પથારી ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર

સ્પેશિયાલીટી કાર્ડિયાક હોસ્પિટલ છે.  યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે.

નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષ્યમાં લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યુ હતુ જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતા ખરા અર્થમાં સાકાર થયું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યુ કે, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બનેલ બાળ હ્યદયરોગની હોસ્પિટલ સમગ્ર ભારતભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે. જેમાં દર્દીઓને હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સરળતાથી મળી રહેશે. ટેલીકાર્ડિયોલોજી પ્રોગ્રામને કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર મળી રહેશે.

તેમણે ઉમેર્યુ કે, યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બાળ હ્યદયરોગ હોસ્પિટલમાં ૧૫ કાર્ડિયાક ઓપરેશન થીયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ,

એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ,૧૭૬ બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, ૩૫૫ એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ.,૧૧૪ હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, ૫૦૫ એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, ૬૭ સ્પેશીયલ રૂમ અને ૩૪ આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટથી સજ્જ છે.

આ હોસ્પિટલની બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM) ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવી છે. ઊર્જા સંરક્ષણમાં ગ્રીહા (GRIHA)  દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળેલ છે. આ હોસ્પિટલમાં પાણી અને અન્ય સ્ત્રોતના વપરાશ માટે STP AND WTP પ્લાન્ટથી સુસજ્જ કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ કે, આ હોસ્પિટલમાં અન્ય કોઇ હોસ્પિટલમાં જોવા ન મળે તેવી અત્યાધુનિક પિડીયાટ્રીક કેથલેબ અને મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થીયેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. હાઇ ફ્રીકવન્સી વેન્ટીલેટર્સ મુકવામાં આવ્યા છે.

નાઇટ્રીક ઓકસાઇડ ડીલીવરી સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. M-NICU (mother-neonatal) અને માતૃધાવણ બેંક કાર્યરત કરવામાં આવી છે. તેની સાથે કાર્ડીયાક રીહેબીલીટેશન વિભાગ, ઇમેજીંગ સેન્ટર, ૪૫૦ થી વધારે  ટુ વ્હીલ અને ૩૫૦ થી વધારે  ફોર વ્હીલ પાર્ક કરી શકાય તેવી પાર્કીંગ ફેસીલીટી ઉભી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીયછે કે,આ હોસ્પિટલમાં ફાયબર ટેકનોલોજી આધારીત ૩૫ જેટલા ઇન્ટ્રા એરોટીક બલુન પમ્પ કાર્યરત કરાવવામા આવ્યા છે. જે દર્દીઓમાં પૂરતી ઓક્સિજન જરૂરિયાત અને કાર્ડિયાક આઉટપુટમાં સુધારો લાવવામાં મદદરૂપ બનશે.

૧૨ જેટલા હ્યદય અને ફેફસાના મશીન હિટર અને કુલર યુનિટ સાથે કાર્યરત કરાવવામાં આવ્યા છે, જે સર્જરી વખતે અત્યંત મદદરૂપ બની રહેશે. હોસ્પિટલમાં અલ્ટ્રાસોનીક કટીંગ અને કોગ્યુલેશન સીસ્ટમ કાર્યરત કરાવવામાં આવી છે, જે આર.એફ. એનર્જીની મદદથી સોફ્ટ ટીસ્યુ અને વેસલ સીલીંગમાં મદદરૂપ બની રહેશે.

અન્ય સાધનોમાં ૪ એક્મો સીસ્ટમ, એક VATS સીસ્ટમ, ૨ એન્ડોસ્કોપીક વેઇન હાર્વેસ્ટિંગ સીસ્ટમ, એક ૩-ડી મેપીંગ સીસ્ટમ, ન્યુમેટીંગ ટ્યુબ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ, પોર્ટેબલ ૨-ડી ઇકો અને કલર ડોપ્લર જેવા વિવિધ અત્યાધુનિક સાધનોથી આ હોસ્પિટલ  સજ્જ કરવામાં આવી છે. જેનો લાભ દર્દીઓને વધુ ઝડપી અને જીવન રક્ષક બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.