Western Times News

Gujarati News

ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૬નું વિમોચન કરાયું

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક ૨૦૭૬નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે.

નવા વર્ષે નવા જોશ, અને હોશ સાથે કોરોનાની મહામારી સામે જીવનના ઉત્કર્ષના દ્વાર ખોલીને આપણે સૌએ આગળ વધવાનું છે.

દિપાવલીનું પર્વ જ્ઞાનના પ્રકાશ અને વિકાસના સમન્વયનો અદકેરો અવસર છે. સોશિયસલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝેશન સાથે આપણે સૌ ગુજરાતી બાંધવોએ કોરોનાને હરાવી, જ્ઞાનના પ્રકાશની જ્યોત પ્રગટાવીને દેશ, રાજ્ય અને સમાજને ઉજળા કરવાનો સાચા હૃદયથી પ્રયાસ કરીએ એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્યસર્જન સંકલિત કરીને દિપોત્સવી અંક પ્રસ્તુત કરવા બદલ રાજ્યના માહિતી ખાતાના તમામ કર્મયોગી મિત્રોને એમણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના સામે મક્કમ મુકાબલો કરી રહ્યું છે ત્યારે સાહિત્યની દીપજ્યોત ગુજરાતી બાંધવોને દિપોત્સવીના પર્વમાં વધુ ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડશે એવી એમણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

તેમણેકહ્યું કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આપણા સૌની કપરી કસોટી થઈ છે. પરંતુ રાજ્ય સરકારની પ્રબળ ર્નિણયશક્તિ, ગુજરાતી બાંધવોની કોઠાસૂઝ તેમજ કર્મયોગને વરેલા વહિવટીતંત્રના સુયોગ્ય સામંજસ્યથી આ કપરા સમયમાં પણ વિકાસના દરેક ક્ષેત્રમાં આપણું ગુજરાત આગળ ધપતું રહ્યું છે.

કોરોનાનો પ્રત્યેક ગુજરાતી બાંધવોએ સરકાર સાથે ખભેખભા મીલાવીને મજબૂત મુકાબલો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમારે દિપોત્સવી અંક વિશે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની આગવી પરંપરા મુજબ ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કાર વારસાને ગુજરાત દિપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે.

ગુણવંતભઈ શાહ, વિષ્ણુ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, મહંમદ માંકડ, રઘુવીરભાઈ ચૌધરી, માધવ રામાનુજ, કુમારપાળ દેસાઈ, રાજેન્દ્ર શુક્લ વગેરે જેવા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દિપોત્સવી અંકમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

૩૦ અભ્યાસ લેખો, ૩૫ નવલિકાઓ, ૧૯ વિનોદિકાઓ, ૮ નાટિકાઓ અને ૧૦૮ જેટલી કાવ્યરચનાઓ ગુજરાત દિપોત્સવીના દળદાર અંકમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આની સાથો સાથ ગુજરાતનું લોકજીવન, કુદરતી સૌંદર્ય, માનવ સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૬૪ જેટલી રંગીન તસવીરો ગુજરાત દિપોત્સવી અંકને વધુ આકર્ષક બનાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.