Western Times News

Gujarati News

વાડજ જંક્શન પર ટ્રાફિક સમસ્યા ગંભીર બનીઃ સરવે રિપોર્ટ

file

મ્યુનિ.કોર્પાેરેશને નવ જંક્શન પર ફ્લાયઓવરની દિશા નક્કી કરવા ટ્રાફિક સરવે કરાયો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા એક દાયકા દરમ્યાન ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે મ્યુનિસિપલ કોર્પાેરેશને ૨૦૧૨ની સાલમાં સરવે કરાવ્યો હતો.

દિલ્હી સ્થિત સંસ્થાએ ૩૬ જંક્શનો પર સરવે કર્યા બાદ તેનો રીપોર્ટ સબમીટ કર્યાે હતો. જેમાં જે તે જંક્શન પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈ ફ્લાય ઓવર બનાવવા સૂચન કર્યા હતા.

સદર સરવેને લગભગ આઠ વર્ષનો સમય થઈ ગયો હોવાથી મનપાએ ફરીથી અમદાવાદની સંસ્થા પાસે સરવે કરાવ્યો છે. જેના રીપોર્ટ મુજબ પીક અપ અવર્સમાં વાડજ જંક્શન પર ટ્રાફિક ભારણમાં ચિંતાજનક હદે વધારો થયો છે.

અમદાવાદ શહેરમાં ફ્લાય ઓવર બનાવવા માટે પ્રાયોરીટી નક્કી થાય તે માટે ૨૦૧૨ની સાલમાં દિલ્હી સ્થિત સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટી.પાસે સરવે કરાવ્યો હતો.

સદર સંસ્થાએ ૨૦૧૨ના સરવેના આધારે ૨૦૧૭ અને ૨૦૨૨ના સંભવિત ટ્રાફિકભારણની વિગતો તૈયાર કરી હતી તથા તે મુજબ ફ્લાય ઓવરની પ્રાયોરીટી સૂચવી હતી. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સદર રીપોર્ટના આધારે ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યાં છે.

પરંતુ સરવેને આઠ વર્ષ થઈ ગયા હોવાથી વધુ એક અમદાવાદની સંસ્થા પાસે સરવે કરાવ્યો છે. અમદાવાદની સંસ્થા દ્વારા નવ જંક્શન પર પીકઅપ અવર્સના ટ્રાફિક ભારણનો રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે.

સદર સરવેમાં નરોડા પાટીયા, વાડજ જંક્શન, પલ્લવ જંક્શન, પ્રગતિનગર જંક્શન, ઘોડાસર જંક્શન, સત્તાધાર જંક્શન, પાંજરાપોળ, નરોડા ગેલેક્ષી તથા નિકોલ જંક્શનને આવરી લેવામાં આવ્યા છે.

સદર સરવેના રીપોર્ટ મુજબ નવ જંક્શન પૈકી વાડજ જંક્શન પર ટ્રાફિક સમસ્યા અતિગંભીર બની છે. વાડજ જંક્શન પર સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી માત્ર એક કલાકમાં (પીકઅપ અવર્સ)૧૭૫૫૦ વાહનોની અવર જવર રહે છે.

જ્યારે સાંજે ૬થી ૭ વાગ્યા સુધીના એક કલાક દરમ્યાન ૨૫૦૭૦ વાહનો પસાર થાય છે. તેની સામે ૨૦૧૨ના સરવેમાં વાડજ જંક્શન પર ૨૪ કલાકમાં ૧૩૫૯૭૦ વાહનોની અવર જવર નોંધવામાં આવી હતી.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

૨૦૧૭માં ૧૯૬૭૮૭ અને ૨૦૨૨માં ૨૯૧૧૩૮ વાહનો પસાર થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. અમદાવાદની સંસ્થાના રીપોર્ટ મુજબ વાડજ જંક્શન બાદ બીજાે ક્રમ પલ્લવ ચાર રસ્તાનો આવે છે.

પલ્લવચાર રસ્તા પર સવારે ૧૦થી ૧૧ વાગ્યા દરમ્યાન ૧૪૫૫૦ તથા સાંજે ૬થી ૭ વાગ્યા દરમ્યાન ૧૪૯૯૩ વાહનોની અવર-જવર રહે છે. ૨૦૧૨ના રીપોર્ટ મુજબ પલ્લવ જંક્શન પર ૨૦૧૨માં ૨૪ કલાક દરમ્યાન ૧૨૨૯૩૧ વાહનોની અવરજવર રહેતી હતી.

તથા ૨૦૧૭માં ૧૪૨૮૦૧ અને ૨૦૨૨માં ૨૧૭૧૦૩ વાહનોની અવરજવર થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.

મ્યુનિ.કોર્પાેરેશને ૨૦૧૨માં જે સરવે કરાવ્યો હતો તેમાં ૨૦૧૭ અને ૨૦૨૨માં જે સંભવિત ટ્રાફિક દર્શાવવામાં આવ્યો હતો તેના કરતા ટ્રાફિકભારણમાં અનેકગણો વધારો થયો છે. વાડજ જંક્શન પર ૨૦૨૨માં ૨૯૧૧૩૮ વાહનોની સંભવિત અવરજવર દર્શાવવામાં આવી હતી.

જેની સામે સવારના પીકઅપ અવર્સના ભારણ મુજબ ગણતરી કરવામાં આવે તો ૨૪ કલાકમાં ચાર લાખ વાહનોની અવરજવર ૨૦૨૦માં થઈ રહી છે. દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા સૂચવવામાં આવેલી પ્રાયોરીટી મુજબ ફ્લાય ઓવર તૈયાર થઈ રહ્યા છે. પરંતુ કેટલાક સંજાેગોમાં પ્રાયોરીટીમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

જેના કારણે વાડજ સહિત અનેક જંક્શનો પર ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. સદર સમસ્યાને હળવી કરવા માટે ફરીથી સરવે થયો છે. જેમાં ટ્રાફિક ભારણની સાથે સાથે કઈ દિશામાં વાહનોની અવરજવર વધુ રહે છે તેનો સરવે પણ થયો છે. જેના કારણે ફ્લાય ઓવરની દિશા નક્કી કરવી સરળતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.