Western Times News

Gujarati News

અધીરાઈ કર મા… ધરપત રાખીને કામ કર…

સફળતા મેળવવા ઉતાવળા થવાની જરૂરત નથી પરંતુ ધીરજથી કામ કરવું તે જ હીતાવહ છે અને ઠરેલપણું રાખતાં માનવીનાં વ્યક્તિત્વમાં ઉમેરો થાય છે. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે ઉતાવળ કર્યા વગર તેઓને ચેન પડતું નથી તથા તેમના સ્વભાવને હિસાબે તેઓ સખણા બેસી શકતા નથી. કેટલાક માનવીઓ સ્વભાવમાં જ અધીરાઈ હોય છે. અધીરતાને હિસાબે માનવીને ઘણું જ નુકસાન થાય છે. આવી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને કામ કરતા ઘણી વખત વિલંબ થાય છે ને તેના કામમાં ભલીવાર રહેતો ન હોવાથી તેઓનું કામ પણ બગડે છે.

ઉતાવળથી ચાલવાથી કે દોડવાથી, ગાડી ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે. ઘણા લોકો ઉતાવળથી બોલતા હોવાથી સામી વ્યક્તિ બરાબર સમજી શકતી નથી અને તેથી ગેરસમજણ ઉભી થાય છે.

જોયા જાણ્યા વગર બસ મનમાં વિચાર આવ્યો અને તરત જ વિચાર્યા વગર કાર્ય અમલમાં મૂકતાં તથા ઉતાવળથી ર્નિણય લેતાં પોતે પોતાનું જ નુકસાન કરે છે અને છેવટે તેને અફસોસ થાય છે.ઉતાવળથી ક્રિયા કરતા શારીરિક પણ અસર થાય વગર રહેતી નથી જેમ કે હાંફ ચડવી, લોહીના દબાણ માં ફરક પડવો અથવા છાતીમાં દઃખાવો થવો તથા મગજ પર પણ અસર થઈ શકે છે.

જે વિદ્યાર્થી ઉતાવળથી વાંચશે કે પરીક્ષામાં ઉત્તરવહી લખશે તો નાપાસ થઈ શકે અને ઉતાવળથી લખતાં અક્ષરવાળા પણ સારા ન આવે તથા ઉતાવળમાં લખવાનાં અગત્યનાં મુદ્દા જ લખવાના રહી જાય. જો વેપારી ઉતાવળથી ધંધો કરે તો કોઈક વખત પૈસાની લેવડ- દેવડમાં ખોટ ભોગવશે.

જો ખેલાડી ઉતાવળથી રમશે તો જીતની બાજી હારમાં ફેરવાઈ જાય ન કર અધીરાઈ તું કદી કોઇ કામ કરતાં હવે પછી, અગર રાખી ધરપત જો, તો થાશે તુજ સર્વ કામ સરળ ને સફળ હવે પછી, ઉતાવળ કર મા જિંદગીમાં તું કદી… ધીરજથી કામ લેવાની પાડ આદત તુજ જીવનમાં, માની લે તું વડીલોનું કથન, ‘ઉતાવળા સો બાવરા…ધીરા સો ગંભીર’..

કોઈક વખત ઉતાવળ કે ઝડપ કરવી પડતી હોય છે અને સંજોગોને આધીન આ ઝડપ કે ઉતાવળ જરૂરી પણ હોય છે. ટ્રેન કે બસ ઉપડવાનો સમય થઈ ગયો હોય અને આપણે ત્યાં પહોંચવામાં મોડા પડ્યા હોઈએ ત્યારે ઝડપ ના છૂટકે કરવી જ પડતી હોય છે.

ઉતાવળથી કોઈ પણ કામ કરવા જતાં ભૂલ થવાની શક્યતા પણ રહે છે. એક જ પરિવારના સભ્યોના સ્વભાવમાં પણ ફરક હોઈ શકે છે કોઈ ઠરેલ હોય તો કોઈ ઉતાવળિયો હોય છે. ઠરેલ વ્યક્તિ લોકોનો પ્રેમ સરળતાથી જીતી જાય છે.. ઉતાવળથી કામ કરતાં ઘણી વખત નુકસાન વેઠવું ના પડે તે માટે ધીરજ કે ચોક્સાઈની અગમચેતી રાખવાથી આપણે સૌ બચી શકીએ છે. માનવીએ જીવનમાં થોડી ધરપત તો રાખવી જરૂરી છે જેથી માનસિક શાંતિ તથા શારીરિક તંદુરસ્તી પણ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.