Western Times News

Gujarati News

સયાજી હોસ્‍પિટલની  આરોગ્‍ય સેવાઓ પૂર્વવત રાખનારા તબીબો અને કર્મચારીઓ અભિનંદન

વડોદરામાં જરૂર જણાશે ત્‍યાં સુધી બચાવ રાહત સફાઇ જેવા જરૂરી કામો ચાલુ રખાશે

નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સયાજી હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી તથા તબીબી અને આરોગ્‍ય સેવાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે તાત્‍કાલિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓના ખબરઅંતર પૂછયા હતાં તથા સેવાઓની સંતોષકારતા અંગે પૃચ્‍છા કરી હતી.

સયાજી હોસ્‍પિટલના તબીબી અધિક્ષક પાસેથી નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ તાજેતરના ભારે વરસાદ અને વિશ્ર્વામિત્રીના પાણીની સયાજી હોસ્‍પિટલ અને તેની સેવાઓ પર પ્રભાવ અંગે પૂછપરછ કરી હતી. તબીબી અધિક્ષક ડૉ.રાજીવ દવેશ્ર્વરએ જણાવ્‍યું હતું કે સયાજી હોસ્‍પિટલ પરિસરમાં લગભગ કોઇપણ વિસ્‍તારમાં પાણી પ્રવેશ્‍યા ન હતા. પરંતુ પોસ્‍ટમોર્ટમ વિભાગ પાસે પાણી ભરાયું હતું. જો કે સયાજી હોસ્‍પિટલની તબીબી અને આરોગ્‍ય સેવાઓ ભારે વરસાદ અને પાણીવાળા સંજોગામાં પણ યથાવત રાખી શકાઇ હતી. અત્‍યારે પણ આ સેવાઓ પૂર્વવત આપવામાં આવી રહી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ માધ્‍યમકર્મીઓ સાથે સંવાદમાં જણાવ્‍યું હતું કે વડોદરામાં જરૂર જણાશે ત્‍યાં સુધી બચાવ રાહત સફાઇ જેવા જરૂરી કામો ચાલુ રાખવામાં આવશે. ભારે વરસાદ અને પૂરની પરિસ્‍થિતિમાં પણ સયાજી હોસ્‍પિટલની આરોગ્‍ય સેવાઓ પૂર્વવત રાખનારા તબીબો અને આરોગ્‍ય કર્મચારીઓને તેમણે બિરદાવ્‍યા હતા. ડૉકટરો અને આરોગ્‍ય કર્મચારીઓએ અવિરત સારવાર સેવાઓ, ઓપરેશન, લેબ ટેસ્‍ટ જેવી કામગીરી ચાલુ રાખી હતી. ૧૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આજે પણ ૧૪૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ૫૦૦ જેટલા નવા કેસીસનો સમાવેશ થાય છે. દર્દીઓ માટેની ભોજન સુવિધા પણ હંમેશની જેમ ચાલુ રાખવામાં આવી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે લગભગ ૯૦ ટુકડીઓ બનાવવામાં આવી છે. જે શહેરના અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય સર્વેક્ષણ અને તબીબી સેવાઓ પૂરી પાડવાનું કામ કરશે. એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. અન્‍ય મહાનગરપાલિકાઓમાંથી આવનારી ટુકડીઓની મદદથી અસર પામેલા વિસ્‍તારોમાં પરિસ્‍થિતિત પૂર્વવત કરવા યુધ્‍ધના ધોરણે કામગીરીનું આયોજન કરવામાં આવ્‍યું છે. મોટાપાયે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. જયાં પાણીનો ભરાવો થયો હતો એવા દુર્ગમ વિસ્‍તારોમાં પણ એન.ડી.આર.એફ. સહિતના દળોની સાધન સુવિધાઓ તેમજ ટ્રેકટર્સ ઇત્‍યાદીનો ઉપયોગ કરીને ફૂડપેકેટસ તેમજ પાણી ઇત્‍યાદી પહોંચાડવામાં આવ્‍યા હતા.

જિલ્‍લા પ્રશાસન દ્વારા અસર પામેલા વિસ્‍તારો અને પરિવારોને વિવિધ પ્રકારે થયેલા નુકશાનનું સર્વેક્ષણ ટુકડીઓ બનાવીને કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેને આધારે કેસડોલ્‍સ તેમજ  વિવિધ રાહત પેકેજીસ અન્‍વયે મળવાપાત્ર સહાય સત્‍વરે આપવામાં આવશે. દિવાલ હોનારતમાં મૃત્‍યુ પામેલાઓના પરિવારોને, મૃતક દીઠ રૂપિયા ચાર લાખની સહાય મુખ્‍યમંત્રીશ્રી રાહતનીધિમાંથી આપવાની તજવીજ કરવામાં આવી છે.

તેમણે જણાવ્‍યું હતું કે એકજ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો હતો. નદીના બંને કાંઠે નિચાણવાળા વિસ્‍તારોમાં અસર થઇ હતી અને અન્‍ય જગ્‍યાઓએ પણ પાણી ભરાયા હતા. પાણીનો પ્રવાહ ખુબ જ હતો. હવે વરસાદ અટકયો છે અને ધીરેધીરે જળ સપાટીઓ ઘટતી જાય છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ વડોદરાનો વહીવટી અનુભવ ધરાવતા બે વરિષ્‍ઠ સનદી અધિકારીઓ સર્વશ્રી ડૉ.વિનોદ રાવ અને લોચન સહેરાને વડોદરામાં, વહીવટી તંત્ર તેમજ જિલ્‍લા કલેકટરને મદદરૂપ બનવા મૂકયા હતા. જરૂરીઆત પ્રમાણે એન.ડી.આર.એફ. ની ટીમો ફાળવવામાં આવી છે. પરિસ્‍થિતિ પૂર્વવત બને તે માટે રાજય સરકાર તમામ પ્રકારે મદદરૂપ બની રહી છે.

આ પ્રસંગે નર્મદા વિકાસ રાજય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, પક્ષપદાધિકારી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શબ્‍દશરણ બ્રહ્મભટ્ટ સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. મેડીકલ કોલેજના ડીન ડૉ.એ.ટી.લેઉઆ સહિત અધિકારીઓએ નાયબ મુખ્‍યમંત્રીશ્રીને વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.