Western Times News

Gujarati News

વ્યાજખોરની ધમકી “જાનીકાકા નહીં મળે તો સવારમાં લોહીની નદી વહાવી દઈશ”

ગ્લોબલ હૉસ્પિટલના સંચાલક ચાર મહિનાથી વ્યાજનો હપ્તો ચૂકવી ન શક્યા, એટલે વ્યાજખોરે ધમકી આપી (Global Hospital, Sindhubhavan Road, Ahmedabad)

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. આમ છતાં કેટલાક વ્યાજખોરો જાણે કે હજી પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસને લઈને ફરિયાદ દાખલ થઈ છે. સોલામાં રહેતા અરુણાબેન જાની ગઇકાલે બપોરના સમયે ઘરે હાજર હતા ત્યારે ભરત દેસાઈ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઘરે આવ્યો હતો. (The wife of the owner of a SG Road hospital on Wednesday filed a complaint with Sola police against a moneylender who allegedly barged into her house and threatened to kill her entire family.)

ભરત દેસાઈએ ફરિયાદીના પતિ જાનીકાકા ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. જોકે, ફરિયાદીના પતિ બહાર ગયા હોવાથી તે ત્યાંથી નીકળી ગયો હતો અને સાંજના સમયે તે તેના ડ્રાઈવર દિનેશ સાથે ફરિયાદીના રસોડા સુધી પહોંચી ગયો હતો. વ્યજખોર ભરત કહેવા લાગ્યો હતો કે, “જાનીકાકા ઘરમાં જ છે, તમે તેને ગમે ત્યાં સંતાડી રાખશો તો પણ હું શોધી કાઢીશ. એ નહીં મળે તો સવારના હું લોહીની નદીઓ વહાવી દઈશ.

વ્યાજખોરે આમ કહીને ઘરના દરેક રૂમ માં તપાસ કરી હતી. બાદમાં રસોડામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે, “તારો દીકરો ધ્રુવ કેમ મારો ફોન ઉપાડતો નથી? હું તેના ઘરે જાઉં છું, હું ખતમ થઇ જઇશ અને તેને પણ જીવતો નહીં રહેવા દઉં. તમારા આખા ફેમિલીને મારી નાખીશ. આમ કહીને વ્યાજખોર ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગેની જાણ ફરિયાદી મહિલાએ પોલીસને કરતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.

ફરિયાદીના પતિ બોડકદેવ સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હૉસ્પિટલ ધરાવે છે અને મેડિકલના વ્યવસાય સાથે સંકાયેલા છે. જેમણે દોઢેક વર્ષ પહેલાં ભરત પાસેથી પાંચ ટકા વ્યાજે રૂપિયા ૮૦ લાખ લીધા હતા. જોકે, લૉકડાઉનના કારણે ચાર મહિનાથી વ્યાજનો હપ્તો ચૂકવી શક્યા ન હતાં. જેને લઇને આરોપી તેઓને ધમકી આપતો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.