Western Times News

Gujarati News

અમદાવાદ ACBમાં આધુનિક સુવિધા સાથેનો ઈન્ટરોગેશન રૂમ બનશે

ગૃહવિભાગે ૪૦ લાખ રૂપિયા ફાળવ્યાઃ શંકાસ્પદ વ્યક્તિના અવાજ પરથી સાચ-જુઠનો પર્દાફાશ થશે

(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં રાજય સરકાર દ્વારા લાંચ, રુશ્વત, વ્યાજખોરી તથા અન્ય ગંભીર પ્રકારના ગુનાઓની બંદી દુર કરવા માટે કડક પગલાં લેવાઈ રહયા છે જે અંતર્ગત એક તરફ સરકાર દ્વારા કડક કાયદા બનાવવામાં આવી રહયા છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ અદ્યતન ઉપકરણોથી સુસજ્જ કરવામાં આવી રહયા છે. કેટલીય બાબતોમાં પ્રથમ પગલું ભરનાર સરકારના ગૃહમંત્રાલય દ્વારા ભારતમા પ્રથમ વખત એન્ટી કરપ્શન બ્યુરોમાં LVA- લેયર્ડ વોઈસ રેકોર્ડની સુવિધા સાથેનો ઈન્ટરોગેશન રૂમ બનાવવા મંજુરી આપવામાં આવી છે.

LVAએ એવી ટેકનીક છે જેના આધારે આરોપીની પુછપરછ વખતે તેના અવાજને રેકોર્ડ કરીને આરોપીની માનસિક સ્થિતિ જાણી શકાશે એટલે કે આરોપીએ જવાબો તાણમાં, લાગણીશીલ, આત્મવિશ્વાસ, બેચેની, વિચારીને કે અધિરા બનીને આપ્યા છે તે જાણી શકાશે. જેના ઉપરથી તપાસ કરતાં અધિકારીને આરોપી સાચુ બોલે છે જુઠુ બોલે છે તે છુપાવી રહયો છે તે જાણી શકાશે. LVAની ખાસિયત એ છે તેને ભાષાઓની બાધા નડતી નથી તે અવાજના તરંગો ઉપરથી જ વ્યક્તિની ભાવના અધિકારીને જણાવી દે છે.

આ ટેકનોલોજી ભારતમાં પ્રથમ વખત ગુજરાત એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા અપનાવવામાં આવશે જેની માટે સરકારના ગૃહવિભાગે ૪૦ લાખનું બજેટ ફાળવ્યુ છે આ LVA સાથેનો ઈન્ટરોગેશન રૂમ એસીબીની અમદાવાદ, શાહીબાગ ખાતેની ઓફીસે બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સુધી ફકત ઈન્ટરોગેશન રૂમનો ઉપયોગ થતો હતો જે વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ હોય છે અને આરોપીની ફોરેન્સીક સાયકોલોજીકલ ટેકનીક દ્વારા પૂછપરછ કરી પુરાવા એકત્ર કરવામાં આવતા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.