Western Times News

Gujarati News

મ્યુનિ. તંત્ર ર૮૦૦ એક્ટીવ દર્દીઓની સારવાર કરતા હાંફી ગયુ !

મે મહીનામાં પાંચ હજાર એક્ટીવ કેસ હોવા છતાં કરમસદ-ખેડા જવાની નોબત આવી ન હતી -તંત્ર દ્વારા કેસના આંકડા છુપાવવામાં આવી રહયા હોવાની શંકા વધુ પ્રબળ બની

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની લહેર શરૂ થતા જ છેલ્લા ચાર-પાંચ મહીનાથી “સબ સલામત”ના દાવા કરતા અધિકારીઓનો પરપોટો ફુટી ગયો છે. અમદાવાદમાં કોરોના દર્દીઓને કોઈ જ હાલાકી ન થાય તે માટે શ્રેષ્ઠ સારવાર અને સુવિધા ઉપલબ્ધ હોવાના દાવા થઈ રહયા હતા જે છેલ્લા એક સપ્તાહમાં પોકળ સાબિત થઈ ગયા છે તથા તંત્ર માત્ર ર૮૦૦ એક્ટીવ દર્દીઓની સારવાર કરતા હાંફી ગયુ છે.

જેના કારણે જ રાજયના સૌથી વધુ વિકસિત શહેરના દર્દીઓને આસપાસના નાના શહેરોમાં સારવાર માટે મોકલવામાં આવી રહયા છે. કોરોના વેવની સાથે સાથે કેસની સંખ્યામાં ગરબડ થતી હોવાના આક્ષેપો પણ સાચા સાબિત થઈ રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

સ્માર્ટસીટી અમદાવાદમાં દિવાળીના દિવસથી જ કોરોનાના કેસ વધી રહયા હોવાની વિગતો બહાર આવી હતી. દિવાળીની રાત્રે સીવીલ હોસ્પિટલમાં ૧૦૦ કરતા વધુ પોઝીટીવ દર્દીઓ એડમીશન થતા અધિકારીઓ સફાળા જાગ્યા હતા તથા વધુ એક વખત પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાના દાવા થયા હતા તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં ખાલી બેડ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ માત્ર ૪૮ કલાકમાં જ અધિકારીઓની પોલ ખુલી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં પુરતા બેડ ન હોવાથી કરમસદ અને ખેડામાં દર્દીઓને ટ્રાન્સફર કરવા માટે સુચના આપવામાં આવી હતી. જયારે બીજી તરફ તંત્ર દ્વારા ર૮૦૦ની આસપાસ એકટીવ કેસ હોવાની સતાવાર જાહેરાત છેલ્લા એક સપ્તાહથી થઈ રહી છે. મ્યુનિ. કોર્પોરેશનની જાહેરાત મુજબ જાે એક્ટીવ કેસની સંખ્યા ર૮૦૦થી ર૯૦૦ હોય તો દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવાની જરૂરીયાત રહેતી નથી.

પરંતુ તંત્ર દ્વારા કેસ ના સાચા આંકડા છુપાવવામાં આવી રહયા હોવાના જે આક્ષેપ થતા રહયા છે તે સાચા હોવાની શંકા પ્રબળ બની રહી છે. મ્યુનિ. કોર્પોરેશને ૭૭ ખાનગી હોસ્પિટલો સાથે ર૭૦પ બેડ માટે કરાર કર્યા છે. ખાનગી હોસ્પિટલોમાં એએમસી કવોટાના ર૭૦પ બેડ પૈકી રપ૪૪ બેડ ર૩ નવેમ્બર સવારે સાડા નવ વાગ્યાની સ્થિતિએ ભરેલા છે. જયારે સીવીલ હોસ્પિટલમાં ૧ર૦૦ બેડ છે જે ૮૦ ટકા ભરેલા હોવાનું માનવામાં આવે તો તેમાં ૯૬૦ દર્દીઓ સારવાર લઈ રહયા છે. સોલા સીવીલમાં ઓછામાં ઓછા ૪પ૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

જયારે એસ.વી.પી.માં માત્ર ૩૦૦ દર્દીની જ ગણત્રી કરવામાં આવે તો સીવીલ હોસ્પિટલ (અસારવા)માં ૯૬૦, સોલા સીવીલના ૪પ૦ તેમજ એસ.વી.પી.ના ૩૦૦ મળી ત્રણ હોસ્પિટલમાં ૧૭૧૦ દર્દીઓ સારવાર લઈ રહયા હશે તેવુ માની શકાય તેમ છે. જયારે યુ.એન. અને જી.એમ.એસ.આર. ના દર્દીઓની સંખ્યા અલગ રહેશે. શહેરમાં કોરોનાના આગમન સમયથી જ એક્ટીવ કેસના ર૦ થી ૩૦ દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોય છે. તેથી તંત્રના દાવા મુજબના ર૮૦૦ એકટીવ કેસ પૈકી ર૦ ટકા હોમ આઈસોલેશન દર્દીની ગણત્રી કરવામાં આવે તો પ૬૦ થાય છે

આમ ખાનગી હોસ્પિટલના રપ૪૪, સરકારી હોસ્પિટલના ૧૭૧૦ તથા હોમ આઈસોલેટેડ પ૬૦ મુજબ ગણત્રી કરવામાં આવે તો ઓછામાં ઓછા ૪૮૦૦ એકટીવ કેસ હોય તેવું માની શકાય તેમ છે. તેથી તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવી રહયા હોવાની શંકા પ્રબળ બની રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માત્ર ર૮૦૦ એકટીવ કેસમાં કરમસદ-ખેડાની હોસ્પિટલો તરફ મીટ માંડવામાં આવી છે. જયારે મે મહીનામાં પાંચ હજાર એકટીવ કેસ હોવા છતાં દર્દીઓને હાલાકી થઈ ન હતી.

૧૭ મે ના રોજ પ૦૧પ, રપ મે એ પર૦૯ એકટીવ કેસ હતા તેમ છતાં કરમસદ- ખેડા સુધી દર્દીઓને મોકલવામાં આવ્યા ન હતા. રાજય સરકાર દ્વારા નિયુક્ત કોરોના અધિકારીઓ અને મ્યુનિ. અધિકારીઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહયા હોવાના કારણે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. તંત્રના દાવા મુજબ એકટીવ કેસ અને બેડની સંખ્યા સાચા હોય તો કરમસદ- ખેડા જવાની નોબત ન આવે તેમજ દર્દીઓને દાખલ થવા હાલાકી ન થાય તેમ નિષ્ણાંતો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.