Western Times News

Gujarati News

રસી વૈજ્ઞાનિકોના હાથમાં, રાજ્યો સંક્રમણ રોકવા ઉપર ધ્યાન આપે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની દેશમાં સ્થિતિને લઈને તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. તેમણે વેક્સિનને લઈને રાજ્યોને કેન્દ્ર સરકારની તૈયારી વિશેની માહિતી આપી છે અને કહ્યું છે કે માત્ર વેક્સિનના વિશ્વાસ પર બેસી ના રહેશો. તેમણે કહ્યું કે વેક્સિન ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકોના હાથમાં છે. તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજ્ય સંક્રમણ રોકવા પર ધ્યાન કેન્દ્રીત કરે. તેમણે કોરોના વેક્સિનને લઈને કહ્યું કે સરકારે વિસ્તૃત યોજના બનાવી છે. વડાપ્રધાને એ પણ સમજાવ્યું કે કઈ રીતે દેશવાસીઓને રસી આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી છે કે કોરોના રસી અભિયાન લાંબું ચાલવાનું છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિન માટે ભારતનું અભિયાન દરેક નાગરિક માટે એક પ્રકારની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની જેમ છે. એટલું જ નહીં રસીકરણ અભિયાન સરળ હોય, તબક્કાવાર હોય અને એક સરખું ચાલે તેના માટે આપણે એક થઈને એક ટીમ તરીકે કામ કરવાનું છે. તેમણે જણાવ્યું કે કઈ વેક્સિન કેટલી કિંમતની આવશે તે હજુ સુધી નક્કી નથી થયું. ભારતીય મૂળની બે વેક્સિન મેદાનમાં આગળ છે પરંતુ બહારના લોકો સાથે મળીને આપણા લોકો કામ કરી રહ્યા છે. દુનિયામાં પણ જે વેક્સિન બની રહી છે, તેઓ પણ ઉત્પાદન માટે ભારતીય કંપનીઓ સાથે વાત કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, વેક્સિનને લઈને આપણી પાસે જે અનુભવ છે તેવો અનુભવ દુનિયાના મોટા-મોટા દેશો પાસે નથી. આપણા માટે જેટલી ગતિ જરુરી છે તેટલી જ સુરક્ષા પણ જરુરી છે. ભારત પોતાના નાગરિકોને જે વેક્સિન આપશે તે દરેક વૈજ્ઞાનિક કસોટી પર ખરી ઉતરશે. જ્યાં સુધી વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનની વાત છે, તે રાજ્યો સાથે મળીને કરવામાં આવશે. વેક્સિન પ્રાથમિકતા સાથે કોને લગાવવામાં આવશે, તે રાજ્યો સાથે મળીને રોડ મેપ તૈયાર કરાયો છે તે આપની સમક્ષ રજૂ કરાયો છે. આપણે કેટલા વધારાના કોલ્ડ સ્ટોરેજની જરુર પડશે, રાજ્યોએ તેના પર કામ કરવાનું શરુ કરી દેવું જોઈએ. જરુર પડી તો વધારાનો સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે. વેક્સિનનો એક વિસ્તૃત પ્લાન જલદી રાજ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે, હું ઈચ્છું છું કે બ્લોક લેવલ પર એક ટીમ બને. આ ટીમ વેક્સિનની ટ્રેનિંગ અને ડિસ્ટ્રીબ્યુશનને લઈને સતત કામ કરશે. કોરોના વેક્સિનને લઈને ર્નિણય વૈજ્ઞાનિક ત્રાજવા પર જ તોલાવા જોઈએ. આપણે કોઈ વૈજ્ઞાનિક નથી. આપણે વ્યવસ્થા હેઠળ વાતને સ્વીકારવી પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વેક્સિનને લઈને સ્થિતિ ઘણી સાફ થઈ ગઈ છે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું, તમને પ્રેઝન્ટેશનમાં સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. વેક્સિનની દિશામાં અંતિમ સ્તર પર કામ ચાલી રહ્યું છે. ભારત સરકારની તમામ ડેવલપમેન્ટ પર બારીક નજર છે. અમે બધાના સંપર્કમાં છીએ. જોકે, તેમણે કહ્યું કે ઘણી બાબતોને લઈને સ્પષ્ટતા નથી, માટે ભ્રમમાં ના રહેશો.

તેમણે એમ પણ કહ્યું કે, હજુ એ નક્કી નથી થયું કે વેક્સિનનો એક ડોઝ હશે, બે ડોઝ હશે કે ત્રણ ડોઝ હશે. એ પણ નક્કી નથી કે તેની કિંમત કેટલી હશે, એટલે કે હજુ આપણી પાસે આ સવાલોના જવાબ આપણી પાસે નથી. જે લોકો તેને બનાવવાના છે, કંપનીઓમાં સ્પર્ધા છે, દુનિયાના દેશોના પોત-પોતાના ડિપ્લોમેટિક ઈન્ટરેસ્ટ હોય છે. ડબલ્યુએચઓની પણ આપણે રાહ જોવી પડશે. આપણે આ બાબતોને વૈશ્વિક સંદર્ભમાં જોવી જોઈએ.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, સરકાર ભારતીય વેક્સિન ડેવલપર્સ અને મેન્યુફેક્ચરર્સ સાથે વાતચીત કરી રહી છે. આ સિવાય ગ્લોબલ રેગ્યુલેટર્સ, અન્ય દેશોની સરકારો, ઈન્ટરનેશનલ સંસ્થાઓ અને ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે સંપર્કનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે વેક્સિન આવ્યા પછી અમારી પ્રાથમિકતા એ જ હશે કે બધા સુધી વેક્સિન પહોંચે. વડાપ્રધાને આ પછી સમજાવ્યું કે ભારતમાં કઈ રીતે વેક્સિનનું અભ્યાન ચાલશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.