Western Times News

Gujarati News

૩૦મી સુધીમાં ૪૦૦ થી વધુ બેડની કિડની હોસ્પિટલ કોરોનાગ્રસ્તની સારવાર માટે ખૂલ્લી મુકાશે

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજવામાં આવી

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નિર્માણાધીન કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી  આ બિલ્ડીંગને કોવિડ દર્દીઓની સારવાર માટે 30 મી નવેમ્બર સુધીમાં કાર્યરત કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટિના કારણે મેડિસીટી કેમ્પસમાં કાર્યરત કિડની, કેન્સર અને હ્યદયરોગની હોસ્પિટલમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે. જેને આગળ ધપાવવા સિવિલ મેડિસીટીનું વિસ્તૃતિકરણ કરીને મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાના નરેન્દ્રભાઇ મોદીનું  સ્વપ્ન ટૂંક સમયમા સાકાર થશે.

મંજુશ્રી મિલ જે વર્ષોથી બંધ પડી હતી તે જમીનનું રાજ્ય સરકાર દ્વારા સંપાદન કરીને સ્વાસ્થ્ય  સુખાકારીમાં વધારો કરવા આ કંપાઉન્ડમાં કિડની અને આંખની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતું.

અમદાવાદ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં વર્ષ દરમિયાન ૫૦૦ થી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. દેશભરમાંથી અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓનો ઘસારો રહે છે. જેને ધ્યાનમાં રાખીને તેનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યુ હોવાનું શ્રી પટેલે ઉમેર્યુ હતું.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલમાં ગુજરાતના પડોશી રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે અને તે તમામને શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાનું શ્રી નિતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું.

મંજુશ્રી કંપાઉન્ડમાં નિર્માણ પામી રહેલી કિડની હોસ્પિટલમાં ૮૦૦ થી વધુ દર્દીઓને સારવાર આપી શકવાની ક્ષમતા ધરાવે છે.દસ માળની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કિડની હોસ્પિટલમાં આવનારા વર્ષ ૨૦૨૧ ના જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિના સુધીમાં સંપૂર્ણપણે દર્દીઓ માટે કાર્યરત થઇ જશે તેમ શ્રી નીતિનભાઇ પટેલે  ઉમેર્યું હતું.

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ , ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિની સમીક્ષા કરીને સિવિલ સંકુલની તમામ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોઇ, દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે હેતુથી મંજુશ્રી કંપાઉન્ડમાં આઇ.સી.યુ. બેડ અને વેન્ટીલેટર સહિતના ૪૦૦ થી વધુ  બેડ કાર્યરત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

તહેવારોની વચ્ચે રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ રાજ્ય સરકાર સમયસર તેને કાબુ મેળવવામાં સફળ રહી છે. આગામી સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના કેસમાં ઉછાળો નોંધાય તેના આગોતરા વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટી દ્વારા મંજુશ્રી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંજુશ્રી મીલ કંપાઉન્ડની કિડની હોસ્પિટલના ૯ ફ્લોર માંથી 3જા અને ૪ થા માળે ઓક્સિજન સહિતના  ૩૩૬ બેડ, અન્ય ફ્લોર પર ૫૬ જેટલા આઇ.સી.યુ. અને વેન્ટીલેટર સહિતના બેડ સાથે કુલ ૪૦૦ થી વધુ કોરોના બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૩૦ મી નવેમ્બર સુધીમાં આ હોસ્પિટલને તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ સંકુલની કોરોના  ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૬૦ વેન્ટીલેટર સહિતના આઇ.સી.યુ.ના નવા બેડ કાર્યરત કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અન્ય ૬૦ બેડ પણ કાર્યરત કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા પણ ગુજરાત સરકારને મોટી સંખ્યામાં વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે જે તમામનો સત્વરે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગ શરૂ કરવામાં આવનાર હોવાનું શ્રી પટેલે  ઉમેર્યું હતુ.

રાજ્યભરમાં તહેવાર દરમિયાન વધેલા કોરોનાના કેસ ના કારણે  સરકાર દ્વારા  રાજ્યના ઘણા જિલ્લાઓ તેમજ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો રાજ્યના નાગરિકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નાગરિકોની જાગૃતિના કારણે સરકારને કોરોનાની પરિસ્થિતિને કાબુમાં મેળવવામાં સરળતા મળી છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨ લાખે પહોંચી છે ત્યારે રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યાર સુધી સરકાર તેમજ મેડિકલ જગતના તમામ લોકો દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેનું સુચારૂ વ્યવસ્થાપનગોઠવવામાં આવ્યું છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ, પોલીસ સ્ટાફની ખંતપૂર્વકની ફરજનિષ્ઠાના કારણે રાજ્યમાં નોંધાયેલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સંપૂર્ણપણે સ્વસ્થય થઇને ઘરે પરત ફરવાનો આંક વધુ રહ્યો છે.

શ્રી નીતિનભાઇ પટેલે ગઇ કાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કોન્ફરન્સમાં મળેલ માર્ગદર્શનનો રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે અમલ કરવામાં આવી રહ્યો હોવાનું  જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા થકી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવારનો શ્રેષ્ઠ લાભ લઇ રહ્યા છે. અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ સેન્ટરમાંથી આ વ્યવસ્થાનું સુચારૂ સંચાલન થઇ રહ્યુ છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવારની સાથે સાથે કિડની, કેન્સર, પ્રસુતિ,ડાયાલિસીસ, બાળરોગ  સંબંધિત અન્ય તબીબી સારવારનું પણ સંપૂર્ણપણે સંચાલન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં ૮૦ હજાર થી વધારે દર્દીઓ ઓ.પી.ડી.ની મુલાકાત લઇ રહ્યા છે.

કોરોનાના કારણે મૃત્યુ પામેલ કોંગ્રેસના નેતા શ્રી અહેમદભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપતા નીતિનભાઇ પટેલે કહ્યુ કે, અહેમદભાઇ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. લોકસભા અને રાજ્યસભામાં લાંબા સમય સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર અહેમદભાઇ પટેલનો અભિપ્રાય હંમેશા મહત્વનો રહેતો. તેઓને અગાઉ પણ નાદુરસ્ત તકલીફ અને હ્યદયરોગ સંબંધિત તકલીફના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તેમના અવસાનના કારણે ગુજરાત રાજ્યએ અને દેશે એક સમાજસેવક અને અગ્રણી નેતા ગુમાવ્યો છે.

તેમની આ મુલાકાતમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ અને આરોગ્ય વિભાગના મિલીંદ તોરવણે અને તબીબી નિષ્ણાંતો હાજર રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.