Western Times News

Gujarati News

80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ આજે સંપન્ન થઈ

Ahmedabad, ગુજરાતના કેવડિયા ખાતે 25 અને 26 નવેમ્બર, 2020ના રોજ યોજાયેલી બે-દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સંપન્ન થઈ હતી. પ્રધાનમંત્રીએ સમાપન સમારંભના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે આપણું બંધારણ સામાન્ય નાગરિકો સરળતાપૂર્વક અને સ્પષ્ટતા સાથે સમજે એ દિશામાં પ્રયાસ કરવા જોઈએ.

‘નૉ યોર કોન્સ્ટિટ્યૂશન’ (તમારા બંધારણને જાણો) માટે આ પગલું ભારતના બંધારણના મૂલ્યોનાં સુરક્ષાકવચ તરીકે કામ કરશે. શ્રી મોદીએ કાયદાઓને સરળ બનાવવા માટે પણ અપીલ કરી હતી, જેથી સામાન્ય નાગરિક એને સમજી શકે.

80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્ર પછી લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

એમાં લોકસભાના અધ્યક્ષે જાણકારી આપી હતી કે, પ્રિસાઇડીંગ અધિકારીઓએ લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત કરવાની પ્રતિજ્ઞા કરી હતી, જેથી તેઓ આપણા સમાજ અને લોકશાહીના કલ્યાણ માટે ખભેખભો મિલાવીને કામ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે,પ્રિસાઇડીંગ અધિકારીઓએ લોકશાહી મજબૂત કેવી રીતે કરવી અને સંસ્થાઓને વધારે જવાબદાર કેવી રીતે બનાવવી એના પર અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રિસાઇડીંગ અધિકારીઓએ રાજ્યની શ્રેષ્ઠ ધારાસભાનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે વિવિધ રાજ્યોની વિધાનસભાઓની કામગીરીનો અભ્યાસ કરવા માટે એક સમિતિ રચવામાં આવશે, જે આ માટે નોમિનેશન કરશે અને પછી એના પર નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે એનાથી અન્ય રાજ્યોની વિધાનસભાઓને વધારે સારી રીતે કામ કરવા પ્રેરણા મળશે.

પ્રિસાઇડીંગ અધિકારીઓએ દેશના લોકોને આપણા બંધારણમાં સૂચિત નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે જાણકારી આપવાનો નિર્ણય પણ લીધો છે. આ કામગીરી માટે સંસદ અને રાજ્યની ધારાસભાઓ ખભેખભો મિલાવીને કામ કરશે. લોકસભાના અધ્યક્ષે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને તમામ શાળાઓ અને કોલેજોમાં ફરજિયાત રોજિંદી પ્રવૃત્તિમાં બંધારણના આમુખનું પઠન કરાવવા વિનંતી કરી હતી.

તેમણે રાજ્યની ધારાસભાઓને દરેક વ્યક્તિ માટે, ખાસ કરીને યુવાનોને કામ કરવા રાજ્ય સરકારો સાથે સંકલન સ્થાપિત કરવા વિનંતી કરી હતી, જેથી તેમને આપણા બંધારણમાં જણાવેલ મૂળભૂત અધિકારો અને ફરજો વિશે જાગૃત કરી શકાય. પ્રિસાઇડીંગ ઓફિસરની કોન્ફરન્સનાં શતાબ્દી વર્ષ તરીકે ચાલુ વર્ષની ઉજવણી લોકશાહીના ઉત્સવ તરીકે કરવામાં આવશે.

તમામ રાજ્યની ધારાસભાઓ તેમના કાર્યક્ષેત્રોમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા અને લોકો પ્રત્યે જવાબદારીઓ પર કાર્યક્રમોની યોજના બનાવશે. આ ઉપરાંત જનપ્રતિનિધિઓને સાંકળીને સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે,

જેની શરૂઆત પંચાયત સ્તરેથી થશે, જેમાં લોકો પ્રત્યે જવાબદારી સાથે લોકશાહી કેવી રીતે મજબૂત કરી શકાશે એના પર ચર્ચા થશે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં છેવાડાના નાગરિકને પોતાના અધિકારો અને ફરજો વિશે જાણકારી મળે.

રાજ્યની ધારાસભાઓને નાણાકીય અધિકાર આપવા પર એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. અન્ય એક સમિતિની રચના ધારાસભાઓમાં લેવાયેલા નિર્ણયોના અમલનો અભ્યાસ કરવા માટે થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.