Western Times News

Gujarati News

‘દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટની સુવિધા પહોંચી ચૂકી હતી’ : ડૉ. હર્ષવર્ધન

નવી દિલ્હી, દેશના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને એેવો દાવો કર્યો હતો કે દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા પહોંચી ચૂકી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયસરના પગલાને કારણે આપણે અન્ય દેશોની તુલનાએ કોરોનાના ફેલાવા પર સારો એવો કાબુ મેળવી શક્યા હતા.

એક અંગ્રેજી અખબારે યોજેલા પરિસંવાદમાં પૂછાયેલા સવાલના જવાબમાં બોલતાં તેમણે કહ્યું કે આપણે લીધેલાં પગલાંની નોંધ દુનિયાભરના દેશોએ લીધી હતી અને આપણા પ્રયાસોને બિરદાવ્યા હતા.

અન્ય દેશોની તુલનાએ આપણે ત્યાં મૃત્યુદર ઓછો હોવાનું કહેવાય છે. એવું શાથી કહેવાય છે એવા સવાલનો જવાબ આપતાં  ડૉક્ટર હર્ષવર્ધન થોડા નારાજ જણાયા હતા. તેમણે કહ્યું કે તમારો સવાલ યોગ્ય નથી. આપણે ત્યાં વાસ્તવમાં મૃત્યુદર ઓછો છે. આપણે આખી દુનિયા સાથે આપણા રોજેરોજના આંકડા શૅર કરીએ છીએ.

સરકાર આંકડા છૂપાવી રહી છે એમ માનવું યોગ્ય નથી. આંકડામાં ગોલમાલ નહીં જ થતી હોય એવું હું નથી કહેતો પરંતુ મારી જાણ મુજબ ભારત પૂરેપૂરી ઇમાનદારીથી કોરોના વિશેના આંકડા રજૂ કરતું રહ્યું છે. એક લેબોરેટરીથી શરૂ થયેલો કોરોના ટેસ્ટ આજે  બે હજાર એકસો ત્રીસ લેબોરેટરી સુધી પહોંચ્યો હતો અને આપણે આજે રોજના સરેરાશ દસ લાખ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.