Western Times News

Gujarati News

સીરમ ઈન્સ્ટિટ્યૂટે વોલેન્ટિયરના વેક્સિનની આડઅસરના તમામ આરોપોને ફગાવી દીધા

સીરમ ઈન્સ્ટિટ્યૂટ વોલિયેન્ટર સામે ૧૦૦ કરોડનો દાવો કરશે
પૂણે,  સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ કોરોના વાયરસ વેક્સીન પરીક્ષણના વોલેન્ટીયર પર ૧૦૦ કરોડના માનહાનીનો દાવો કરવાની તૈયારીમાં છે. પરીક્ષણમાં સામેલ વોલેન્ટીયરએ વેક્સીનનો ડોઝ લીધા બાદ ‘વર્ચ્યુઅલ ન્યૂરોલોજિકલ બ્રેકડાઉન’થી પીડિત થયાનો આરોપ લગાવ્યો હતો. રવિવારે સાંજે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાના એક નિવેદનમાં વોલેન્ટિયરના તમામ આરોપોને ફગાવી દીધા હતા.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ તરફથી કહેવાયું હતું કે, ‘દર્દી સાથે અમારી પૂરતી સહાનુભૂતિ છે. જોકે, વેક્સીન ટ્રાયલ અને તેના ખરાબ સ્વાસ્થ્યને પરસ્પર કોઈ જ સંબંધ નથી. તેઓ કોઈ જ કારણ વગર પોતાના ખરાબ સ્વાસ્થ્ય માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને જવાબદાર ગણાવી રહ્યાં છે.’

આ સાથે જ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા પોતાને થયેલા નુકસાન પેટે ૧૦૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને ઈન્સ્ટીટ્યૂટ એથિક્સ કમિટી હાલમાં કોવિડ-૧૯ વેક્સીન ટ્રાયલમાં ભાગ લેનારા વોલેન્ટીયરના દાવા મુજબ, ડોઝ અપાયા બાદ કોઈ આડઅસર થઈ કે નહીં તેની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૪૦ વર્ષના બિઝનેસ કન્સ્ટન્ટન્ટ વ્યક્તિએ વર્ચ્યુઅલ ન્યૂરોલોજિકલ બ્રેકડાઉન અને વિચારવાની ક્ષમતા નબળી હોવાની ફરિયાદ કરતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને અન્યને કાયદાકિય નોટિસ મોકલીને પાંચ કરોડ રુપિયાનું વળતર માગ્યું હતું. આ સાથે જ તેણે વેક્સીન પરિક્ષણ રોકવાની માંગણી કરશે. કોરોના વાયરસની સ્થિતિ દેશમાં દિવાળી બાદ કેટલાક રાજ્યોમાં ગંભીર બની છે.

એવામાં તેની વેક્સીન ઝડપથી તૈયાર કરવા માટે દેશ જ નહીં પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં હાલ કોવિશિલ્ડ, કોવેક્સીન તથા ઝાયકોવ-ડી નામની ત્રણ વેક્સીન પર ત્રીજા ફેઝમાં રિસર્ચ ચાલી રહી છે. એવામાં લોકો પણ તેના પરિક્ષણમાં સફળ થાય અને ઝડપથી માર્કેટમાં આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.