Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશના શખ્સની પાંચ પુત્રીની ઝળહળતી કારકિર્દી

બરેલી, આજે પણ સમાજના કેટલાક લોકો દીકરા-દીકરી વચ્ચે અંતર રાખે છે. તેમને લાગે છે કે, દીકરી એટલે પથ્થર અને દીકરો એટલે કુળદીપક. સમાજના આવા જ લોકો જ્યારે અન્યના ઘરે દીકરી જન્મે ત્યારે તેમને મહેણાં-ટોણાં મારતા હોય છે. પરંતુ તેઓ તે વાત નથી સમજતા કે, દીકરાઓ કરતાં દીકરીઓ આગળ વધી ગઈ છે. એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં તેણે પોતાનું સ્થાન ન જમાવી રાખ્યું હોય. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર તહસીલમાં રહેતા ચંદ્રસેન સાગર અને મીના દેવી સાથે થયું. જ્યારે તેમને ત્યાં એક બાદ એક એમ પાંચ દીકરીઓ અવતરી.

દીકરીઓના જન્મ પર આસપાસના લોકો કહેવા લાગ્યા કે, ‘શું તમે હવે આને આઈપીએસ બનાવશો?’. અને આ વાત સાચી પડી ગઈ. ચંદ્રસેન સાગરની પાંચમાંથી ત્રણ દીકરીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી. બે દીકરીઓ આઈએએસ અને ત્રીજી દીકરી આઈઆરએસ અધિકારી છે. જ્યારે અન્ય બે દીકરીઓ એન્જિનિયર છે.

ચંદ્રસેન સાગરે જણાવ્યું કે, અધિકારી બનવા માટે દીકરીઓની મહેનતની સાથે-સાથે તેમની માતા મીના દેવીનું પણ ઘણું યોગદાન છે. તેમની દીકરીઓએ શરૂઆતનું શિક્ષણ બરેલીની સેંટ મારિયા કોલેજમાં લીધું હતું. બાદમાં તેમણે ઉત્તરાખંડ, અલાહાબાદ અને દિલ્હીમાં બાકીનો અભ્યાસ પૂરો કર્યો. ત્રણ બહેનોમાંથી એકે દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરી. ચંદ્રસેનની પહેલી દીકરી અર્જિત સાગરે ૨૦૦૯માં બીજા પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. બાદમાં તેનું જાેઈન્ટ કમિશનર કસ્ટમ મુંબઈમાં પોસ્ટિંગ થયું. અર્જિતના લગ્ન આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયા છે. તેના પતિ પણ આઈએએસ અધિકારી છે. ૬ વર્ષ બાદ ૨૦૧૫માં બીજી દીકરી અર્પિતને સફળતા મળી. હાલ તે વલસાડમાં ડીડીઓ પર તૈનાત છે. તો ત્રીજી અને ચોથા નંબરની દીકરી અશ્વિની તેમજ અંકિતા એન્જિનિયર છે. અશ્વિની હાલ મુંબઈ તો અંકિતા નોઈડાની ખાનગી કંપનીમાં નોકરી કરી રહી છે.

ચંદ્રસેન અને મીના દેવીની સૌથી નાની દીકરી આકૃતિ સાગરને ૨૦૧૬માં બીજા પ્રયાસમાં સફળતા મળી. હાલ તે જળ બોર્ડની ડિરેક્ટર તરીકે સેવા આપી રહી છે. ચંદ્રસેનની દીકરીઓએ જણાવ્યું કે, તેમને યુપીએસસીની તૈયારી કરવાની પ્રેરણા પોતાના મામા પાસેથી મળી. મામા અનિલ કુમાર વર્ષ ૧૯૯૫ બેચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી હતા. પાંચેય દીકરીઓનું સપનું હતું કે, તેઓ પણ પોતાના મામાની જેમ અધિકારીઓ બને. યુપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન તેમને મામા અનિલ કુમાર તરફથી ઘણો સહયોગ મળ્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.