Western Times News

Gujarati News

GST ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું

અમદાવાદ,  ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ રેકેટનાં સુત્રધારો પૈકીનાં એક અસલમભાઈ સોદાગરભાઈ શેખ એ એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યાંય અસ્તિત્વ ધરાવતી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે તપાસ દરમિયાન એ સ્વીકાર્યું છે કે તેઓ બોગસ બિલનાં આધારે ક્રેડિટ મેળવતાં હતાં તેમજ આ બોગસ ફર્મ પૈકી કોઈપણ ફર્મનાં પ્રોપરાઈટરને મળ્યા નથી કે જાણતા પણ નથી. તેઓ એ અંદાજે રૂપિયા 7.7 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ આ બોગસ ફર્મ પાસેથી મેળવી છે.

આ સમગ્ર રેકેટમાં ઘણાં લોકો અને ફર્મ સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે જે અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ બધી બોગસ ફર્મ દ્વારા માલનાં સપ્લાય વગર અંદાજિત રૂપિયા 100 કરોડથી પણ વધુની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસ દરમિયાન કૂલ 54 જેટલી બોગસ ફર્મ શોધી કાઢવામાં આવી છે જેની જી.એસ.ટી.ની નોંધણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંતમાં 33 જેટલા બેન્ક ખાતાને કાયદાકીય રીતે અટેચ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં અસલમભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે અને માનનીય ચીફ ડ્યુડિશિયલ મેજીસ્ટ્રે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અસલમભાઈ શેખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસ હજી તપાસ હેઠળ છે. PIB


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.