Western Times News

Gujarati News

સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન: હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં

સુરત, રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ આપતાં જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષા બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.

જશ સંજીવભાઈ ઓઝા (ઉ.વ.આ.2.5વર્ષ) બુધવાર, તા. ૯ ડીસેમ્બરના રોજ જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.

14 ડિસેમ્બરના રોજ જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ડૉ.જયેશ કોઠારી અને ડૉ.કમલેશ પારેખે જશને તપાસી તે બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા તેઓએ હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે નિલેશભાઈ આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર પછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી.

ઓઝા પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો.

ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેન ની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંનીફાળવણી કરી હતી.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases an d Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા.ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના ડૉ. મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમેઆવી સ્વીકાર્યું.

ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.