Western Times News

Gujarati News

૨૦૨૩થી ૬ વર્ષ પૂર્ણ કરનારા બાળકને ધો.૧માં પ્રવેશ અપાશે

અમદાવાદ: હાલ ખાનગી સ્કૂલોમાં પ્રી-પ્રાઈમરીના એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જૂનિયર અને સિનિયર કેજીમાં બાળકોના એડમિશન લઈ રહેલા વાલીઓ માટે સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે એડમિશન માટેના નવા ર્નિણય વિશે જણાવતા કહ્યું કે, ૨૦૨૩થી ૧લી જૂને ૬ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ ૧માં પ્રવેશ આપવામાં આવશે. જેથી આ નવા નિયમને ધ્યાનમાં રાખીને વાલી પોતાના સંતાનને પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં દાખલો અપાવે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગત ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નોટિફિકેશન જાહેર કરી આરટીઆઈ રૂલ્સ અંતર્ગત નવા નિયમનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,

૨૦૨૩-૨૪થી ૧ જૂને ૬ વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ ૧માં એટલે કે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જાે ૧લી જૂને બાળકને ૬ વર્ષ પૂરા નહીં થયા હોય તો શાળામાં પ્રવેશ નહીં મળે. જણાવી દઈએ કે, ખાનગી સ્કૂલોમાં કોઈપણ વયના બાળકને આડેધડ પ્રવેશ અપાતો હોવાથી સરકાર દ્વારા ધોરણ ૧માં પ્રવેશ માટે ચોક્કસ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

હાલ પ્રી-પાઈમરીના એડમિશન ચાલી રહ્યા છે ત્યારે જાે બાળકોને જૂનિયર કેજી, સિનિયર કેજી કે નર્સરીમાં મૂકવાના હોય તો નવા નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે, તેવી પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. હાલ ત્રણ વર્ષ સુધી ૫ વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ અપાશે અને ત્યાર પછીના વર્ષથી ૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળકે જે તે શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૬ વર્ષ પૂર્ણ ન કર્યા હોય

તેમને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨, અને ૨૦૨૨-૨૩ દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.