Western Times News

Gujarati News

જ્યારે મ્યુનિ, કમિશનરે જાતે ક્લોરીન ટેબ્લેટની મદદથી ઘર વપરાશનું પીવાનું પાણી વધુ શુદ્ધ બનાવવાનું નિદર્શન કર્યું

વારસિયાના નિવાસીના ઘરમાંથી પાણી મંગાવી ટેબ્લેટનો ઉપયોગ શીખવાડયો..

વડોદરા તા.૮ ઓગષ્ટ, ૨૦૧૯ (ગુરૂવાર) જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે શહેરી વિસ્તારોની મુલાકાત દરમિયાન જ્યારે વારસિયાના એક રહીશના ઘેર ઘડો ભરીને પાણી મંગાવી એમાં ક્લોરીનની ટેબ્લેટ કેવી રીતે વાપરવી એનું નિદર્શન જાતે કર્યું ત્યારે ત્યાંના રહીશો આશ્ચર્યની સાથે અભિભૂત થઈ ગયા હતા. શ્રીમતી શાલિનીએ જણાવ્યું હતું કે, આ ટેબ્લેટના વપરાશથી પાણી ભલે સહેજ મોળું લાગે કે ના ભાવે તો પણ હાલના સંજોગોમાં આરોગ્ય રક્ષાની ખાતરી માટે ક્લોરીન ટેબ્લેટ વાપરવી જરૂરી છે. તંત્ર દ્વારા એટલે જ આરોગ્ય સેવાઓના ભાગ રૂપે હાલમાં ક્લોરીન ટેબ્લેટ્સ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો લોકો તેનો ઉચિત ઉપયોગ જ ના કરે તો તંત્રની આ મહેનતનો કોઈ અર્થ રહેતો નથી અને રોગ થી બચાવવાની તકેદારીનું પરિણામ મળતું નથી.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા હાલમાં ટાંકીઓ ખાતે સુપર ક્લોરીનેશન કરીને જ પાણી પૂરું પાડવામાં આવે છે. કિન્તુ પાણીની શુદ્ધતાની ખાતરી આપવાના એક અતિરિક્ત ઉપાય તરીકે ક્લોરીનની ગોળીઓની આરોગ્ય ટીમો દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શ્રીમતી અગ્રવાલ વારસીયા વિસ્તારની મુલાકાત દરમિયાન એક અલગ દ્રશ્ય જોવા મળ્યું. આ વિસ્તારની ગલ્લી-કુચ્ચીમાં ફરતાં ફરતાં એક ઘર પાસે રોકાઇને ઘર માલિક પાસેથી કલેક્ટર શ્રીમતી અગ્રવાલે પ્રથમ તો ક્લોરિન ટેબલેટ મળી છે તેવી પૃચ્છા કરી અને સાથે જ પાણીનો ઘડો પણ લાવવા કહ્યું. ઘડો લાવવાની સાથે શ્રીમતી અગ્રવાલે ક્લોરિન ટેબ્લેટના પેકેટમાંથી જાતે ક્લોરિનની ગોલીઓ જાતે નાખી. અને સાથે જ કહ્યું ક્લોરિનયુક્ત પાણી પીવુ ગમશે નહિં, પણ આરોગ્યને લક્ષમાં રાખીને પીવુ પડશે. જેથી પાણીજન્ય રોગોથી બચી શકો. આમ શ્રીમતી શાલિની અગ્રવાલે લોકોને ક્લોરિનયુક્ત જ પાણી પીવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વારસીયા હેલ્થ કેમ્પની મુલાકાત કરીને  આત્મીયતાથી લોકોના દુ:ખ દર્દ જાણ્યા હતા અને ડોક્ટર્સ પાસેથી આરોગ્ય સંબંધિત ઝીણવટભરી વિગતો મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.