Western Times News

Gujarati News

વિશ્વ-ભારતીની સફર દરેક ભારતીય માટે ગર્વની બાબત: પ્રધાનમંત્રી

વિશ્વભારતી માટે ગુરુદેવના વિચારોના કેન્દ્રમાં આત્મનિર્ભર ભારતનો વિચાર પણ સામેલ છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા શાંતિનિકેતન સ્થિત વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વભારતીની 100 વર્ષની સફર અતિ વિશેષ છે અને દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વવિદ્યાલય ગુરુદેવ ટાગોરના માતા ભારતીના વિચાર, દ્રષ્ટિ અને મહેનતનું ખરાં અર્થમાં પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વિશ્વભારતી, શાંતિનિકેતન અને શ્રીનિકેતન ગુરુદેવએ નિર્ધારિત કરેલા લક્ષ્યાંકોને પાર પાડવા માટે સતત આતુર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણો દેશ વિશ્વભારતીમાંથી આકાર લેતા વિચારને આખી દુનિયામાં ફેલાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવામાં દુનિયાને નેતૃત્વ અને માર્ગદર્શન પ્રદાન કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પેરિસ સમજૂતીના પર્યાવરણ સંબંધિત લક્ષ્યાંકોને હાંસલ કરવા ઉચિત માર્ગે અગ્રેસર થનાર ભારત દુનિયામાં એકમાત્ર મોટો દેશ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ વિશ્વવિદ્યાલયની સ્થાપના તરફ દોરી ગયેલા સ્થિતિસંજોગોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની આઝાદીના આંદોલનના લક્ષ્યાંકો આ યુનિવર્સિટીના લક્ષ્યાંકોને સુસંગત હતા. પણ સાથે-સાથે એ પણ હકીકત છે કે, આ આંદોલનનો પાયો લાંબા સમય અગાઉ નંખાયો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની લડતને ઘણા આંદોલનમાંથી પ્રેરણા મળી હતી, જે ઘણી સદીઓથી ચાલતા હતા. ભક્તિ આંદોલને દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા મજબૂત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભક્તિયુગ દરમિયાન ભારતના દરેક વિસ્તારમાંથી સંતો-મહાત્માઓએ દેશની આત્માને અક્ષુણ જાળવવા માટે પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભક્તિ આંદોલને એક અથવા બીજા શાસકો સામે સંઘર્ષ કરતાં ભારતમાં સામૂહિક ચેતના અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણ પરમહંસને કારણે ભારતને સ્વામી વિવેકાનંદ મળ્યાં હતાં. સ્વામી વિવેકાનંદમાં ભક્તિ, જ્ઞાન અને કર્મનો સુભગ સમન્વય થયો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, જ્યારે સ્વામી વિવેકાનંદે માનવતામાં પ્રભુતાને જોવાની શરૂઆત કરી હતી, ત્યારે ભક્તિનો દાયરો વધાર્યો હતો અને કર્મને પણ યોગ ગણાવ્યો હતો. તેમણે વ્યક્તિના ચારિત્ર્યનું ઘડતર કરવા અને સમાજને ઉચિત દિશા આપે એવી સંસ્થાનાં સર્જન કરવા ભાર મૂક્યો હતો. ભારતના તમામ વિસ્તારોમાંથી ભક્તિ આંદોલનના દિગ્ગજ સંતો આધ્યાત્મિક એકતાનો મજબૂત પાયો નાંખ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભક્તિ આંદોલનના સેંકડો વર્ષના સમયગાળાની સાથે દેશમાં કર્મયોગ કે કર્મનું આંદોલન પણ આકાર લેતું હતું. આ માટે પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણી ચિન્નેમ્મા, ભગવાન બિરસા મુંડા વગેરેનું ઉદાહરણ આપ્યું હતું.

ભારતના લોકો ગુલામી અને સામ્રાજ્યવાદ સામે લડ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, અન્યાય અને શોષણ સામે સાધારણ નાગરિકોના તપ અને ત્યાગનું બળ પરાકાષ્ઠાએ પહોંચચ્યું હતું અને આ ભવિષ્યમાં આપણા સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય પ્રેરકબળ બન્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્ઞાન, કર્મ અને ભક્તિની ત્રિવેણીના સુભગ સમન્વયથી આઝાદીની લડતને પ્રેરણા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, એ સમયે આઝાદીની લડત જીતવા માટે આદર્શ ક્રાંતિ કરવાની જરૂર ઊભી થઈ હતી અને સાથે-સાથે નવી પેઢીને ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર કરવાની પણ આવશ્યકતા હતી.

તેમણે કહ્યું હતું કે, આ માટે ઘણી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયોએ બહુ મોટી ભૂમિકા અદા કરી હતી. આ શૈક્ષણિક સંસ્થાઓએ નવી ઊર્જાનો સંચાર કર્યો હતો, નવી દિશા આપી હતી, ભારતની આઝાદી માટે આદર્શોથી પ્રેરિત આંદોલનને નવી ઊંચાઈ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે ભક્તિ આંદોલનથી એકતાંતણે બંધાયા છીએ, જ્ઞાન આંદોલનથી બૌદ્ધિક રીતે સંપન્ન થયા છીએ અને કર્મ આંદોલને આપણને આપણા અધિકારો માટે લડવાની પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 100 વર્ષના સમયગાળા સુધી ચાલેલી આઝાદીની લડત તપ, ત્યાગ અને સમર્પણનું વિશિષ્ટ ઉદાહરણ બની ગયું છે. આ આંદોલનોથી પ્રભાવિત થઈને હજારો લોકો આઝાદીની લડતમાં બલિદાન કરવા આગળ આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વેદોથી વિવેકાનંદ સુધી રાષ્ટ્રીય ચેતનાનો પ્રવાહ ગુરુદેવના રાષ્ટ્રવાદના વિચારમાં પણ વ્યક્ત થયો હતો. આ પ્રવાહ ન તો અંતર્મુખી હતો, ન સંકીર્ણ હતો. એમાં ભારતને દુનિયાથી અલિપ્ત રહેવાનો વિચાર કરવામાં આવ્યો નહોતો. એના કેન્દ્રમાં એક દ્રષ્ટિ હતી કે ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ બાબતોનો લાભ દુનિયાને મળવો જોઈએ અને દુનિયામાં માનવતાના લાભ માટે જે કંઈ સંશોધનો, આવિષ્કારો અને વિચારો જન્મે છે, એમાંથી ભારતે શીખવું જોઈએ.

‘વિશ્વ-ભારતી’ નામમાં જ આ વિચાર રહેલો છે, જે ભારત અને દુનિયાને એકબીજા સાથે જોડવા પ્રેરિત કરે છે. વળી વિશ્વભારતી માટે ગુરુદેવના વિચારોનાં કેન્દ્રમાં આત્મનિર્ભર ભારતનો વિચાર પણ હતો. આત્મનિર્ભર ભારત અભિયાન ભારતના વિકાસની સાથે દુનિયાના હિતનો વિચાર પણ કરે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ અભિયાન ભારતને સક્ષમ બનાવવાનું અભિયાન છે, ભારતને સમૃદ્ધ બનાવવાની સાથે દુનિયાને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.