Western Times News

Gujarati News

વડોદરાના આરોહકોએ હિમાળો ખુંદવાની સાથે કોથળા ભરીને પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કર્યો !

પુત્રીના લક્ષણ પારણામાંથી : પર્વતારોહક માતા પ્રાર્થનાની કાંખ પર સવાર થઇને પોણા ત્રણ વર્ષની ઉંમરની ત્વીષાએ હિમાલયના આરોહણની કેરીયરના શ્રી ગણેશ કર્યા

વડોદરા  ગઇકાલે જ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો. તેને લગતા એક સારા અને માઠા સમાચાર છે. માઠા સમાચાર એ છે કે હિમાલયના અંદાજે ચૌદ હજાર ફુટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ પાતાલસુના આરોહણ દરમિયાન હાડગાળી નાંખતી ઠંડી ધરાવતા હિમાલયના શિખરો પર ઠેર ઠેર, ખાસ કરીને માનવ સર્જીત પ્લાસ્ટીક વેસ્ટનો અચંબો બાળ કિશોર આરોહકોએ નિહાળ્યો. સારી વાત એ છે કે આ સાહસિકોએ પર્યાવરણ રક્ષણની વ્યક્તિગત જવાબદારી સમજીને હિમાળો ખુંદવાની સાથે પ્લાસ્ટીક બોટલ્સ, કોથળીઓ અને ટેટ્રાપેક જેવો કચરો કોથળાભરીને એકત્ર કર્યો અને બેઝ કેમ્પ પર લાવીને સત્તાવાળાઓને સુપ્રત કર્યો.

ગુજરાતીમાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી એટલે એવું પણ કહી શકાય કે પુત્રીના લક્ષણ પારણમાંથી અને એ વાતને સિધ્ધ કરવી હોય તેમ આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શીખર સુધી સતત માતાની સાથે રહી. અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યુ. તે પછી શીખર સર કરતાં સુધી એ નાની પાપા પગલીઓ પાડતી જાતે ચાલી. તેના આ ઉત્સાહે બાળકિશોર આરોહકોને ભરપૂર પ્રોત્સાહન અને ધગશ પૂરાં પાડ્યા.

ઇકો એડવેન્ચર ટ્રૈલ કેમ્પ : ૨૦૧૯ હેઠળ ૧૦ થી ૧૯ વર્ષના બાળ કિશોરોએ ઉનાળાને હિમાળો બનાવ્યો : બરફ વર્ષા અને બરફીલા વાયરા વેઠીને માઉન્ટ પાતાલસુનું કર્યું સફળ આરોહણ

આ સંસ્થાના કોચ સંદીપ વૈદ્ય અને મદદનીશ કોચ હેમા વૈદ્યએ બાળકિશોર પેઢીમાં પર્વતારોહણના સંસ્કાર સિંચનને એક ધર્મ તરીકે અપનાવ્યો છે. તેઓ દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે, પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે. તેમની બંને દિકરીઓ પ્રાચી અને પ્રાર્થનાએ બચપણથી પર્વતારોહણ માટે નામના મેળવી છે.

પ્રાચીવૈદ્યની આગેવાની હેઠળના આ વર્ષના માઉન્ટ પાતાલસુ આરોહણ કેમ્પમાં વડોદરા ઉપરાંત નડીયાદ, નાસીક, થાણે અને મુંબઇના ૧૫ જેટલાં બાળકિશોરો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. આ કેમ્પના ભાગરૂપે આ લોકોએ શુન્યની નજીક કે શુન્યથી નીચા તાપમાને આરોહણની સાથે રોક કલાઇમ્બીંગ, રેપલીંગ, રીવર ક્રોસીંગનું રોમાંચક અને સાહસિક પ્રશિક્ષણ મેળવ્યુ, અભૂતપૂર્વ હિંમત સાથે આ બાળ કિશોરોએ સ્નોફોલ (બરફવર્ષા) અને હિમ પવનોના તોફાનનો સામનો કરીને શુન્યથી નીચે ત્રણ ડિગ્રી તાપમાનમાં પાતાલસુના શીખરને સર કર્યું. ૯ હજાર ફુટની ઉંચાઇએ સોલાંગ વેલીના બેઝ કેમ્પથી અંજની મહાદેવ વોટરફોલ, ઘુંદી, બકરપાચ જેવા હિમાળાના પડાવોનું આરોહણ કર્યુ.

કુદરત સૌમ્ય છે અને રૌદ્ર પણ છે. જો કે તેના તમામ સ્વરૂપો મનોહારી છે. પ્રકૃતિની સમીપતા અને પ્રકૃતિ સાથેની મૈત્રી હંમેશા આનંદની સાથે અનેરી આત્મ શક્તિ આપે છે. એવા બોધપાઠ સાથે આ બાળકિશોરોએ જીવન સાથે વણાઇ જાય તેવા અવિસ્મરણીય અનુભવો હિમાલયની ગોદમાંથી મેળવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.