Western Times News

Gujarati News

એઈમ્સના નિર્માણથી રાજકોટ મેડિકલ ક્ષેત્રનું હબ બનશે : મોદી

રાજકોટ, ‘ગુજરાતને નવા વર્ષમાં ‘એઈમ્સ’ની ભેટ મળી છે’ તેમ આજરોજ અહીં રાજકોટ નજીક પરાપીપળિયા ખાતે રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની સૌપ્રથમ ‘એઈમ્સ’ના શિલાન્યાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ ઉદ્બોધનમાં જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં ક્રાંતિ આવશે. રાજકોટ એ એઈમ્સના આગમનથી મેડિકલ હબ બનશે.

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિર્માણાધીન ૨૨ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ સંસ્થાઓ પૈકી અત્યાર સુધીમાં જુદા-જુદા રાજ્યોમાં ૧૫ એઈમ્સ કાર્યરત છે. જ્યારે ગુજરાત રાજ્યની સૌપ્રથમ અને ૧૬ એઈમ્સના શિલાન્યાસ પ્રસંગે રાજકોટમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત એઈમ્સના શિલાન્યાસ સમારોહમાં દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણના કાર્યક્રમનો સંકેત આપી ગુજરાતના આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે વધુ મજબુત બનશે તેમ ઓનલાઈન ઉદ્બોધનમાં જણાવ્યું હતું.

દેશની આઝાદી બાદ વર્ષો વીતી ગયા બાદ માત્ર ૧૨ રાજ્યોમાં જ એઈમ્સ બની હતી. જ્યારે છેલ્લા ૬ વર્ષમાં નવી ૧૦ એઈમ્સનું નિર્માણકાર્ય શરૂ થયું હોવાનું વડાપ્રધાને જણાવી કહ્યું હતું કે, કોરોનાને હરાવવા દેશના લોકોએ જે એકતા બતાવી છે, એવી જ રીતે રસીકરણના કાર્યક્રમને સફળ બનાવવામાં પણ એકતા દર્શાવી જરૂરી છે. કોરોનાની રસી આવી ગઈ છે એટલે કોરોના ગયો એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાની ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશમાં રસીકરણનાં કાર્યક્રમ એ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે ત્યારે એઈમ્સ જેવી ઈન્સ્ટિટયુટ તેમાં મદદરૂપ થશે તેમ જણાવી તેઓએ દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એક મિશનરી સ્પીરીટથી કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ-જામનગર હાઈ-વે પર પરાપીપળિયા ગામ નજીક નવનિર્મિત ‘એઈમ્સ’ના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગિક ઉદ્બોધન એઈમ્સના નિર્માણથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ વિપક્ષો અગાઉની સરકારોએ ગુજરાતને એઈમ્સની સુવિધાથી દૂર  રાખીને મોટો અન્યાય કર્યો હતો, પરંતુ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીે ‘એઈમ્સ’આપીને ગુજરાતને આરોગ્ય ચિકિત્સા ક્ષેત્રેના વિકાસના અંતરાયો દૂર કર્યા છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રત પાઠકે પણ એઈમ્સ થકી ગુજરાતની યશકલગીમાં નવા કીર્તિમાન પ્રસ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આરોગ્ય અને તબીબી શિક્ષણની અનેક સુવિધાઓ એઈમ્સ થકી અહીં સુલભ બનશે. રાજકોટ જિલ્લામાં ટંકારાએ એ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ રહી છે. આર્યસમાજ દ્વારા વૈદિક સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર આ ભૂમિ પરથી દેશભરમાં થયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તો કર્મભૂમિ રાજકોટ રહી છે.

આ રાજકોટમાં નવનિર્મિત એઈમ્સથી સમાજના છેવાડાના માણસની આરોગ્ય ચિકિત્સા વધુ સરળ અને સુલભ બનશે. આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ગુજરાતમાં રાજપીપળા, મોરબી, ગોધરા અને નવસારીમાં વધુ ચાર મેડિકલ કોલેજોને ભારત સરકારે મંજૂરી આપી હોવાનું જણાવી ‘એઈમ્સ’ના નિર્માણથી ગુજરાત દેશના અન્ય પ્રગતિશીલ રાજ્યોની સાથે હવે ગૌરવભેર ઊભું રહી શકશે તેમ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત ગુજરાત રાજ્યના જુદા-જુદા વિભાગના કેબીનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટા પ્રમાણમાં સરકારી અધિકારીઓ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા  હતા.

કાર્યક્રમના સ્થળે વિશાળ ડોમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખંઢેરી ખાતે નવનિર્મિત એઈમ્સ હોસ્પિટલ બે વર્ષ બાદ અંદાજે વર્ષ ૨૦૨૨માં કાર્યરત તશે. જેના સ્પેશ્યાલિટી વિભાગમાં ૧૨૦ બેડ રહેશે. જે ગરીબો માટે આશિર્વાદરૂપ બનશે. રૂા.૧૦માં નિદાન અને રૂા.૩૫માં બેડની સુવિધા અપાશે. રૂા.૩૭૫માં ૧૦ દિવસ બે વ્યક્તિને ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે તેમ નવનિર્મિત એઈમ્સના નિર્માણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. શિયાળાની ઠંડીનો માહોલ હોવા છતાં એઈમ્સનો શિલાન્યાસ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.