Western Times News

Gujarati News

વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરશે ત્યારે કરોડો ભારતવાસીઓ તરફથી વિક્રમ સારાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે: પ્રધાનમંત્રી

ડૉ વિક્રમ સારાભાઇ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થાઓ આજે સેન્ટર ઓફ એક્સલન્સ બની છેઃ ડૉ. કે સિવન

ડૉ વિક્રમ સારાભાઇના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી આજે અમદાવાદમાં શરૂ થઇ

અમદાવાદ,  આજે ઇસરોના સંસ્થાપક – ડૉ વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઇસરો, અવકાશ વિભાગ, અણું ઉર્જા વિભાગના મહાનુભાવો અને સારાભાઇ પરિવારના સભ્યોની હાજરીમાં અમદાવાદમાં શરૂ થઇ હતી. આ પ્રસંગે એકત્રિત થયેલા લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશા દ્વારા વ્યક્તવ્ય આપ્યું હતું.

તેમના વીડિયો સંદેશમાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ‘વિક્રમ’ લેન્ડર ચંદ્ર પર ઉતરશે ત્યારે તે ખરા અર્થમાં કરોડો ભારતીયો તરફથી ડૉ. સારાભાઇને શ્રદ્ધાંજલી આપી ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇની વિચારધારાએ ભારતને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવામાં મદદ કરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડૉ હોમી ભાભાના અવસાનના કારણે ભારતીય વિજ્ઞાન વિશ્વમાં શુન્યાવકાશ સર્જાયો હતો. આ સમયે વિક્રમ સારાભાઇએ તેમના કૂશળતાઓ અને નેતૃત્વ ક્ષમતા દ્વારા વિજ્ઞાનને એક નવી દિશા આપી હતી.

ડૉ. વિક્રમ સારાભાઇને વિજ્ઞાનના એક સમર્પિત સૈનિક તરીકે ઓળખાવતાં, શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમણે વિજ્ઞાનની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા સમય ફાળવ્યો હતો. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડૉ વિક્રમ સારાભાઇ આપણાં માટે એક વારસો છોડીને ગયા છે અને તે આપણી જવાબદારી છે કે આપણે આ વારસાને તમામ લોકો સુધી પહોચાડીએ. તેમણે શાળાના વિદ્યાર્થીઓને ઇસરો દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન સ્પેસ ક્વિઝમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.

ઇસરોના અધ્યક્ષ ડૉ. કે સિવને ડૉ. વિક્રમ સારાભાઇને મહાન સંસ્થાના નિર્માણકર્તા ગણાવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇએ આધુનિક વિજ્ઞાન, ભૌતિક સંશોધન અને અણુ ઉર્જાના ક્ષેત્રમાં સંસ્થાઓની સ્થાપના કરીને આધુનિક ભારતના નિર્માણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇએ સ્થાપેલી સંસ્થાઓ આજે સેન્ટર ફોર એક્સલન્સ બની ગઇ છે. આ અર્થમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતના સાચા સપૂત છે.

ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ડૉ. વિક્રમ સારાભાઇના જીવનગાથા દર્શાવતો એક આલ્બમ, ઇસરો અંગે કોફી ટેબલ બૂક અને અણું ઉર્જા વિભાગનો સ્મારક સિક્કો બહાર પડાયો હતો. આ પ્રસંગે બસની અંદર ‘સ્પેસ ઓન વ્હીલ’ પ્રદર્શનનું પણ ઉદઘાટન કરાયું હતું. સમગ્ર વર્ષ સુધી ચાલનારા ડૉ. વિક્રમ સારાભાઇ શતાબ્દી કાર્યક્રમમાં પ્રદર્શનો, સ્કૂલોના બાળકોમાં સ્પર્ધાઓ, પત્રકારત્વ પુરસ્કાર અને ખ્યાતનામ પ્રતિભાઓ દ્વારા વ્યક્તવ્યનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ આજથી શરૂ કરીને ભારતભરના 100 પસંદ કરાયેલા શહેરોમાં હાથ ધરવામાં આવશે જે 12મી ઓગસ્ટ, 2020ના રોજ થિરુવનંતપુરમ ખાતે સમાપન કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.

આ પ્રસંગે ડૉ. વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બી એન સુરેશ, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ડૉ. સારાભાઇના નજીકના સાથી શ્રી પ્રમોદ કાલે, ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ.કસ્તૂરીરંગન, અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ શ્રી કે એન વ્યાસ, અણુ ઉર્જા વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી એમ આર શ્રીનિવાસન અને ડૉ. વિક્રમ સારાભાઇના પુત્ર ડૉ. કાર્તિકેય સારાભાઇ પણ હાજર રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.