Western Times News

Gujarati News

નો રજીસ્ટ્રેશન, નો વેક્સીન

Files Photo

૧૬ જાન્યુઆરીથી ૪૦ કેન્દ્રો પર રસીકરણ શરૂ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોનાને પરાસ્ત કરવા મહાજંગ શરૂ થશે. દેશભરમાં કોરોના વેક્સીન આપવા માટેની કાર્યવાહી શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન પણ વેક્સીન કામગીરી માટે સજ્જ થયા છે. અમદાવાદ શહેરમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને કોરોના વેક્સીન આપવા માટે ૪૦ જેટલાં કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે વેક્સીન રાખવા માટે ૮૪ સ્થવે સ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ રજીસ્ટ્રેશન વિના રસી આપવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની સુવિધાના પગલે અમદાવાદ શહેરમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના વેક્સીન લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વેક્સીન કાર્યવાહી શરૂ કરતા પહેલાં મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૫૦ કે તેથી વધુ વયના લોકો અને ૫૦થી ઓછી ઉંમર ધરાવતાં પરતુ ગંભીર બીમારી ધરાવતાં લોકોની નોંધણી કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનના સરવે દરમ્યાન ૭ લાખ ૧૦ હજાર લોકોએ વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ ૧૬ જાન્યુઆરીથી શરૂ થનાર પ્રથમ ફેઝમાં ૫૫ હજાર હેલ્થ વર્કરને વેક્સીન આપવામાં આવશે. જેમાં ૩૫ હજાર સરકારી અને ૨૦ હજાર ખાનગી હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે.

બીજા ફેઝમાં ફ્રન્ટલાઈન વર્કરને રસી લગાવવામાં આવશે. જેમાં મ્યુનિ.કોર્પાેરેશનના તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવશે. જ્યારે પોલીસ વિભાગ દ્વારા કર્મચારીઓના ડેટા અપડેટ કરવામાં આવ્યા બાદ તેમને પણ રસી લગાવવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં જે લોકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તેમના રસીકરણ થશે. જે નાગરીકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હશે તેમને જ રસી આપવામાં આવશે. શહેરીજનો ડોર ટુ ડોર સરવે, અર્બન હેલ્થ સેન્ટર પર તેમજ આનલાઈન રજીસ્ટ્રેશનકરાવી શકે છે.

શહેરના નાગરીકોને સરળતાથી રસી મળી શકે તે માટે ૩૦૦ સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે. મ્યુનિ. શાળા, ખાનગી શાળા, ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રસીકરણ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. ૧૬ જાન્યુઆરીએ ૪૦ સાઈટ પર રસી આપવામાં આવશે. ત્યારબાદ રસીકરણ સાઈટ વધારવામાં આવશે. એક રસીકરણ સાઈટ પર દૈનીક ૧૦૦ નાગરીકોને રસી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે દૈનીક ચાર હજાર નાગરીકોને રસી આપવામાં આવશે. ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવશે. પ્રથમ રસી આપ્યાબાદ બીજાે ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા રસી સ્ટોરેજ માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. તથા એકસાથે ચાર લાખ રસીના સ્ટોરેજ થઈ શકશે. મ્યુનિ.આરોગ્યભવન ખાતે ૧.૫૦ લાખ રસી સ્ટોરેજ કરવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશનના સાત ઝોનમાં ઝોનદીઠ દસ હજાર વેક્સીન સ્ટોરેજ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ૭૬ અર્બે હેલ્થ સેન્ટરો પર સેન્ટરદીઠ બે હજાર રસી માટે સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.