Western Times News

Gujarati News

એવિયન ઇન્ફ્લુએન્ઝાની દેશના 10 રાજ્યોમાં પુષ્ટિ થઈ

File

11 જાન્યુઆરી, 2021 સુધી એવિયન ઇન્ફ્લુએન્ઝાની દેશના 10 રાજ્યોમાં પુષ્ટિ થઈ છે. ICAR- NIHSADએ રાજસ્થાનના ટોંક, કરૌલી, ભીલવાડા જિલ્લાઓ અને ગુજરાતના વલસાડ, વડોદરા અને સુરત જિલ્લાઓમાં કાગડાઓ અને યાયાવર/વન્ય પક્ષીઓના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઉપરાંત ઉત્તરાખંડના કોટડવાર અને દેહરાદૂન જિલ્લાઓમાં કાગડાના મૃત્યુઓની પુષ્ટિ થઈ હતી. દિલ્હીમાં નવી દિલ્હી અને સંજય લેક વિસ્તારોમાં અનુક્રમે કાગડા અને બતકના મૃત્યુનાં અહેવાલો પ્રાપ્ત થયાં હતાં.

ઉપરાંત જ્યારે મહારાષ્ટ્રના પરભાણી જિલ્લામાં મરઘા ઉછેર કેન્દ્રમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા ફેલાયો છે, ત્યારે રાજ્યમાં મુંબઈ, થાણે, દપોલી, બીડમાં એઆઈની પુષ્ટિ થઈ છે.

હરિયાણામાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રોગચાળાનો ભોગ બનેલા પક્ષીઓની કતલ ચાલુ છે. કેન્દ્ર સરકારની ટીમે હિમાચલપ્રદેશની મુલાકાત લીધી છે અને 11 જાન્યુઆરી, 2021ના રોજ કેન્દ્ર બનેલા સ્થળો પર નજર રાખવા અને રોગચાળાની તપાસ કરવા માટે પંચકુલા પહોંચશે.

રાજ્યોને રોગચાળાને નિયંત્રણમાં લેવા અને એની સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાય નહીં એ માટે જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવવાની વિનંતી કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જળાશયો, જીવતા પક્ષીઓના બજારો, પ્રાણી સંગ્રહાલયો વગેરે પર વધારે નજર રાખવાની વિનંતી કરવામાં આવી છે તેમજ પક્ષીઓના મૃતદેહોના ઉચિત નિકાલ અને મરઘા ઉછેર કેન્દ્રોમાં જૈવસુરક્ષાને મજબૂત કરવાનું જણાવવામાં આવ્યું છે.

ઉપરાંત કતલની કામગીરી કરવા માટે પીપીઇ કિટ અને એક્સેસરીઝનો પર્યાપ્ત સ્ટોક જાળવવાનું જણાવવામાં આવ્યું છે. ડીએએચડીના સચિવે રાજ્ય પશુ સંવર્ધન વિભાગોને રોગચાળાની સ્થિતિ પર નજર રાખવા માટે આરોગ્ય સંસ્થાઓ સાથે અસરકારક સંચાર અને સંકલન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી હતી તથા મનુષ્યોમાં રોગચાળો ફેલાવવાની કોઈ પણ શક્યતા ટાળવાનું કહેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.