Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટની બનાવેલી કમિટીમાં સામેલ નહીં થઈએઃ ખેડૂત નેતાઓ

નવી દિલ્હી, દિલ્હીની સરહદ પર ૪૭ દિવસથી પ્રદર્શનકારીઓનો જમાવડો છે અને ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને કાઢવાનો પ્લાન તૈયાર કર્યાે છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ૨૬ જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી ન કાઢવાનો આદેશ સુપ્રીમ કોર્ટ ચાલુ રાખે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની આ અરજી પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

કૃષિ કાયદાઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઇ. સરકારની ઝાટકણી કાઢતાં ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું કે સરકાર આ મામલો હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે એવો પણ સવાલ કર્યાે કે કૃષિ કાયદાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં સરકાર શા માટે અચકાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે હજુ પણ જાે સરકાર કાયદાઓ પર પ્રતિબંધ ન મૂકે તો અમે એવું કરીશું.

સુનાવણીમાં કોર્ટે એવું પણ સૂચન આપ્યું કે હાલમાં એક કમિટીની રચના કરી શકાય. જે આ કાયદાઓની સમીક્ષા કરે અને કમિટીનો રીપોર્ટ આવે ત્યાં સુધી કાયદાઓને લાગુ ન કરવામાં આવે, પરંતુ, ખેડૂત નેતાઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ જાે આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી પણમ દે તો ય આંદોલન ખતમ થવાનું નથી. મોડી સાંજે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે કોર્ટ જાે કોઈ કમિટીની રચના કરે છે તો અમે તેનો હિસ્સો નહીં બનીએ. ખેડૂત નેતાઓએ આ નિર્ણય પોતાના વકીલો સાથેની ચર્ચા પછી લીધો છે. ખેડૂત નેતા ડોક્ટર દર્શન પાલે આ મિટિંગ પછી કહ્યું, અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને એ વાતનું સ્વાગત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કાયદાઓ લાગુ કરવા સામે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે પણ અમે કોર્ટ દ્વારા સૂચવાયેલી કમિટીનો હિસ્સો બનવા માંગતા નથી.

ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢુની કહે છે, કાયદાઓ પર જાે હંગામી પ્રતિબંધ મુકાય છે તો પણ આંદોલન ચાલતું રહેશે. કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય એ પહેલાં અમે લોકો પરત જવા તૈયાર નથી. કમિટીના બહાને અમે આંદોલન બંધ કરવાના નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પણ કાયદાઓ રદ થયા પહેલા આંદોલનમાં કોઈ ફેરફાર થશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.