Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકો પર વિશ્વાસ, ૮૦ ટકા લોકો વેક્સિન લેવા માટે તૈયાર છે: સર્વેક્ષણ

Files Photo

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સર્વેનો હવાલો આપતાં કહ્યું કે, ૮૦% ભારતીય કોરોનાની વેક્સિન લેવા માટે તૈયાર છે. જેનાથીએ સ્પષ્ટ છે કે, દેશના નાગરિકોને મોદી સરકાર અને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે. આ સર્વે દુનિયાના ૨૮ દેશોમાં કરવામાં આવ્યો હતો.

આવતી કાલેથી સમગ્ર દેશમાં રસીકરણના મહાભિયાનની શરૂઆત થશે. આવામાં રસીકરણને લઇને તમામ તૈયારીઓ છેલ્લા ચરણમાં છે. ડૉક્ટર હર્ષવર્ધને ટિ્‌વટ કરતાં લખ્યું કે, કોવિડ વેક્સિનેશનમાં પાછળ રહેવા માગતા નથી ભારતીયો. દુનિયાના ૨૮ દેશોમાં કરાયેલા એડલમેનપીઆર ટ્રસ્ટ બારોમિટર સર્વે ૨૦૨૧ના અનુસાર, વેક્સિન પર સૌથી વધુ વિશ્વાસ ભારતીયોને છે. દેશના ૮૦% ભારતીય વેક્સિન લગાવવા માટે તૈયાર છે. આ વિશ્વાસ છે મોદી સરકાર અને દેશના વૈજ્ઞાનિકો પર.

આ સર્વે અનુસાર, ભારતમાં ૮૦%, યુકેમાં ૬૬%, જર્મનીમાં ૬૨%, અમેરિકામાં ૫૯% અને રુસમાં ૪૦% લોકો કોરોના વેક્સિન લગાવવા માગે છે.

ભારતના તમામ રાજ્યો આવતી કાલથી શરૂ થનારા રસીકરણ મહાભિયાન માટે તૈયાર છે. રસીકરણને લગતી લગભગ તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૯૩,૫૦૦ રસી કોલકાતાને ફાળવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં નાગપુર મંડળને ૧.૧૪ લાખ વેક્સિન પહેલી ખેપમાં પહોંચાડવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં પ્રથમ તબક્કે કુલ ૫.૦૬ લાખ કોવિશીલ્ડ રસી પહોંચાડવામાં આવી છે.

દરમિયાનમાં ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસ સામે લડવા માટેનું રસી અભિયાન શનિવારથી શરુ થવાનું છે આ અભિયાન પહેલાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્ય સરકારે પણ કોરોના રસી લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવશે તે માટેની ટ્રાયલ સહિતની તૈયારીઓ કરી દીધી છે. આવામાં સરકાર દ્વારા રસી આપવા બાબતે શું કરવું અને શું ના કરવું તે અંગેની પણ ગાઈડલાઈન્સ જાહેરા કરવામાં આવી છે.

નવી ગાઈડલાઈન્સ પ્રમાણે રાજ્યમાં કોરોના રસી આપવાની છે તે લોકોની ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ હશે અને જે મહિલાઓ પ્રેગનેન્ટ છે કે જેઓ સ્તનપાન કરાવી રહ્યા છે કે પછી તેઓ પ્રેગનેન્સી માટે સુનિશ્ચિત છે તેવી મહિલાઓને કોરોનાની રસી આપવામાં આવશે નહીં. આ સાથે જેઓ કોરોના પોઝિટિવ છે કે હોસ્પિટલમાં દાખલ છે તેવા દર્દીઓને પણ વેક્સીન આપવામાં નહીં આવે.

મહત્વનું છે કે, ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં શરુ થઈ રહેલા કોરોના વેક્સીનના અભિયાનમાં પહેલા જ દિવસે ૨,૯૩૪ કેન્દ્રો પર લગભગ ત્રણ લાખ હેલ્થ વર્કર્સને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવશે. દરેક કેન્દ્ર પર લગભગ ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે બે વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે પરંતુ તમે પસંદ નહીં કરી શકો કે તમને કઈ વેક્સીન આપવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે પહેલા તબક્કામાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને મળનારી રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. પરંતુ એ પછીનું શું? શું સરકાર મફતમાં રસી આપશે કે તેના પર ચાર્જ વસૂલશે? વડાપ્રધાને કહ્યું કે દેશ માટે ગર્વની વાત છે કે જે બે રસીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે તે બન્ને ‘મેડ ઈન ઈન્ડિયા’ છે.” યાદ રહે કે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાઈ રહેલી ઓક્સફોર્ડની કોવિડ-૧૯ ‘કોવિશીલ્ડ’ અને ભારતની બાયોકેટ સ્વદેશી રસી ‘કોવેક્સીન’ને ભારત દ્વારા ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.