Western Times News

Gujarati News

માલપુરના ૧૭ ગામડાના ૧૪૦૮ ખેડૂતોને દિવસે વીજળી મળશે: દીપસિંહ રાઠોડ

અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી આજથી “કિસાન સૂર્યોદય યોજના” નો સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડના હસ્તે શુભારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી  માલપુરના ૧૭ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે.

સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનાં શુભારંભ નિમિતે જણાવ્યું કે, આપણાં ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો વસવાટ કરે છે. ગુજરાત એ ખેડૂતોની ભૂમિ કહેવાય છે. વડાપ્રધાનશ્રી એ ૨૪ ઑક્ટોમ્બરના રોજ ઇ-લોકાર્પણ કરીને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો.

તેમણે નિર્ણય કર્યો હતો કે લોકોને દિવસે વીજળી આપવી છે. તે કામને તેમણે સભર કરી બતાવ્યું છે. લોકો ને હવે ૨૪ કલાક વીજળી મળશે. વડાપ્રધાનશ્રી ભારતને ગુજરાત જેવુ બનાવા જઇ રહ્યા છે.  અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. જેનાથી સમગ્ર અરવલ્લી જિલ્લાને હવે દિવસે વીજળી મળશે. અરવલ્લીના માલપુરના ૧૭ ગામને દિવસે વીજળીનો લાભ મળશે.

શ્રી દીપસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૨ના અંત સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહે માટે યુ. જી. વી. સી. એલ. ના દરેક કર્મચારીઓ ખડેપગે ઊભા રહીને આ કામને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેના કામમાં લાગી ગયા છે. દિવસે વીજળી મળી રહે તે માટે બૃહદ સાબરકાંઠા જિલ્લાના લોકોએ આંદોલનો પણ કર્યા હતા. આજે આપણે સફળતાના આરે જઈ રહ્યા છીએ. ભૂતકાળ કરતાં અત્યારના ગુજરાતમાં ઘણા કામો પૂરા થઈ રહ્યા છે. ગુજરાતને દરેક ક્ષેત્રે સફળતા મળી રહી છે. ખેડૂતો મજબૂત,આત્મનિર્ભર અને દરેક ક્ષેત્રે પ્રગતિશીલ બને.

અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સરકારે ખેડૂતોને લાભ થાય માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંથી જ્યોતિગ્રામ યોજના એ  સાક્ષી છે. સરકારના લીધે જ્યોતિગ્રામ યોજના થકી લોકોને ૨૪ કલાક વીજળી મળી છે. તેમ આ બીજી કિસાન સૂર્યોદય યોજનાથી પણ ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે. આ સરકાર એ ખેડૂતોની સરકાર છે. જે ખેડૂતોના હિત માટે હમેશાં આગળ રહી છે. માલપુરના ૧૪૦૮ ખેડૂતોને હવે દિવસે મળી રહેશે.

આ પ્રસંગે મેઘરજના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભીખીબેન પરમાર, જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી દાવેરા, બાયડના પ્રાંત અધિકારી શ્રી બારોટ,માલપુરના મામલતદાર શ્રી ચૌધરી, કિસાન આગેવાન શ્રી વાલાભાઈ,અધિક્ષક ઇજનેર શ્રી પી.સી.શાહ, તાલુકા અને જિલ્લાના સદસ્યશ્રીઓ, યુ. જી. વી. સી. એલના અધિકારી-કર્મચારીશ્રીઓ, જેટકોના અધિકારી સલીમ સુથાર અને ખેડૂતો ઉપસ્થિત  રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.