Western Times News

Gujarati News

વોટ્‌સએપ પર ધો.૩ થી ૧૨ના વિદ્યાર્થીની વીકલી ટેસ્ટ લેવાશે

વિદ્યાર્થીએ વોટ્‌સએપ પર પોતાની નોંધણી કરાવીને દર સપ્તાહે આ પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં ૧૦ બહુવિકલ્પ પ્રકાર (MCQ)ના પ્રશ્નો હશે અને પરીક્ષા આપ્યા બાદ તરત જ તેનું મૂલ્યાંકન પણ જાહેર કરાશે.

અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે ધોરણ ૩થી૧૨ના વિદ્યાર્થીઓની વોટ્‌સએપ આધારિત સાપ્તાહિક કસોટી લેવાનો ર્નિણય લેવાયો છે. જેમાં પ્રાયોગિક ધોરણે ૨૩ જાન્યુઆરીના રોજ ધોરણ ૩થી૫ના વિદ્યાર્થીઓની કસોટી લેવાશે. ત્યારબાદ દર સપ્તાહે આ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિદ્યાર્થીએ વોટ્‌સએપ પર પોતાની નોંધણી કરાવીને દર સપ્તાહે આ પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં ૧૦ બહુવિકલ્પ પ્રકાર (MCQ)ના પ્રશ્નો હશે અને પરીક્ષા આપ્યા બાદ તરત જ તેનું મૂલ્યાંકન પણ જાહેર કરાશે.

જેમાં વિદ્યાર્થીને જે મુદ્દાઓમાં કચાશ હશે તેની વિડીયો લિંક પણ મોકલાશે. મળતી માહિતી અનુસાર, હોમ લર્નિંગ અંતર્ગત ડીડી ગીરનાર ચેનલ પર ધોરણ ૧થી૮ માટે વિવિધ વિષયોના એપિસોડ પ્રસારિત કરવામાં આવે છે.

જ્યારે સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ ૯થી૧૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યૂઅલ શાળા અંતર્ગત લાઈવ ઓનલાઈન ક્લાસિસ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ હાલ ડિસ્ટન્સ મોડથી અભ્યાસ કરતા હોઈ તેઓ કેટલું શીખ્યા છે તે ચકાસવાનું નક્કી કરાયું છે. આ માટે સમગ્ર શિક્ષા દ્વારા એક વોટ્‌સએ બેઈઝ સાપ્તાહિક મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવ્યું છે.

વોટ્‌સએપ બેઝ સપ્તાહ કસોટી દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ ૩થી૮ના વિષય વસ્તુ આધારિત અને ધોરણ ૯થી૧૨ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસિસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પ પ્રકારની કસોટી ૨૩ જાન્યુઆરીથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે.

૨૩ જાન્યુઆરીના રોજ ધોરણ ૩-૪ ગુજરાતી અને ધોરણ ૫માં ગુજરાતી તથા પર્યાવરણની ૧૦ બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટ્‌સએપ બેઝ્‌ડ પરીક્ષા યોજાશે. ૩૦ જાન્યુઆરીથી ધોરણ ૩થી૧૨ની ટેસ્ટ યોજાશે.

૩૦ જાન્યુઆરીના રોજ ધોરણ ૩,૪ અને ૫માં ગણિતની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ ૬, ૭, ૮માં ગુજરાતી અને ગણિત જ્યારે ધોપણ ૯-૧૦માં વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ૬ ફેબ્રુઆરીના રોજ ધોરણ ૩-૪માં પર્યાવરણ, ધોરણ ૫માં અંગ્રેજી અને હિન્દી, ધોરણ ૬, ૭ અને ૮માં હિન્દી અને વિજ્ઞાન તેમજ ધોરણ ૯-૧૦માં ગણિતની પરીક્ષા લેવાશે. વોટ્‌સએપના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની પારંગતતાને જાતે ચકાસી શકશે અને સ્વયં જ પ્રેક્ટિસ કરીને કયા ક્ષેત્રમાં મુશ્કેલી છે અને કયા ચેપ્ટરના કયા ટોપિકમાં મહાવરો કરવાની જરૂર છે તે જાણી શકાશે. આ માટે વિદ્યાર્થીઓ ૮૫૯૫૫૨૪૫૨૩ નંબર સેવ કરેની ફક્ત હેલો લખશે તો પણ ઝડપથી રિપ્લાય મળશે.

ત્યારબાદ વિદ્યાર્થીને શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના ધોરણની વિગતો આપવાની રહેશે. ત્યાર પછી નામની ખરાઈ કરીને નોંધણી થઈ હોવાનો જવાબ આવશે. જે બાદ વિદ્યાર્થી વોટ્‌સએપ પર પરીક્ષા આપી શકશે. ૧૦ પ્રશ્નોના જવાબ આપ્યા પછી તરત જ તેનું પરિણામ આવશે અને સાચા જવાબની એક ફાઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાય તે મુદ્દાની લિંક પણ મોકલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.