Western Times News

Gujarati News

ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટી ખાતે ‘‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા’’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Charutar Vidya Mandal New India for Young India Programme

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

આવનારા ૧૦ વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા”ના સૂત્રને સરકાર અને યુવાઓ સાથે મળીને સાર્થક કરશે
સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. Charutar Vidya Mandal New India for Young India Programme

વ્યાપાર માટે સમગ્ર વિશ્વમાં ભારત એક વિશ્વસનિય ભાગીદાર તરીકે ઉભરી રહયું છે આજે સશક્ત, સમર્થ રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વમાં ભારતની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

રાજય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી દ્વારા ગુજરાતના યુવાઓ – ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પુરૂ પાડયું છે : ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટીની મુલાકાત લઈ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા, અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

આ પ્રસંગે યોજાયેલ ‘‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા’’ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય રાજય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, આવનારો દાયકો ભારતનો છે. આવનારા ૧૦ વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા” ના સૂત્રને સરકાર અને યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મોટા પરિવાર સાથે જોડાયેલા હોવું જરૂરી નથી. સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. આગામી વર્ષોમાં ભારતમાં ભરપૂર તકો રહેલી છે. આ તકનો લાભ આજના યુવાનોએ જરૂરથી લેવો જોઈએ. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

આજે ભારત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહિસકતાના મોટા માર્કેટ તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, એટલું જ નહી આજે વ્યાપાર માટે સમગ્ર વિશ્વમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહયું છે, તેમ જણાવી મંત્રીશ્રીએ કહયું હતુ કે, ઈન્ટરનેટ, ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ, સ્પેસ ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રમાં ભારતના ઘણા સ્ટાર્ટઅપ ઊભરી આવ્યા છે.

એટલું જ નહીં, આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, જેના પરિણામે ૨૦૧૩-૧૪ માં ૫૦૦ સ્ટાર્ટઅપ હતા જે આજે ૬૧,૪૦૦ એ પહોંચ્યા છે. આજે આપણે ૧૦૦ યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ભારતમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો દેશમાં “Techade of opportunities” સર્જશે.

મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીના ડિજિટલાઈઝેશનના વિચારના કારણે આજે આપણે વિશ્વના સૌથી વિશાળ ફિનટેક ઈકો સીસ્ટમ તરીકે ઉભરી રહયાં છીએ, આજે ડિજિટલ ટેક્નોલોજી વડે સરકાર દ્વારા પહોંચાડાતી સહાય સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBTના માધ્યમથી પહોંચે છે. યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે છીએ. ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં આપણે હરણફાળ ભરી છે. જ્યારે મોબાઈલ મેન્યુફેકચરીંગમાં આપણે વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા થયા છીએ.

કોવીડ મહામારીએ જ્યારે વિશ્વના દેશોને ઘેરી લીધી હતી તેવા સમયમાં પણ ભારતે તેના સામર્થ્યના દર્શન વિશ્વને કરાવ્યા છે. કોરોનાની મહામારી અને ત્યારબાદના સમયમાં જયારે વિશ્વના મોટા દેશો સંઘર્ષરત હતા, ત્યારે પણ ભારતે ૨૦૦ કરોડ સ્વૈચ્છિક વેકસીનેશન અને ૮૦ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરી વિશ્વમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે, એટલું જ નહી આજે એક સશક્ત, સમર્થ રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વમાં આપણી નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.

આ પ્રસંગે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતુ કે, સરદાર વલ્લભભાઇ પટેલ અને ભાઈકાકા જેવા મહાપુરૂષોએ શિક્ષણનો સમૃધ્ધ વારસો આપ્યો છે. જેના વિચારોને ચારૂત્તર વિદ્યા મંડળ સાચા અર્થમાં સાકાર કરી રહી છે. શિક્ષણ સાથે ઉદ્યોગ એ આ સંસ્થાના પાયામાં છે.

ગુજરાત એ સમગ્ર દેશમાં શિક્ષણનું હબ બને તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજયમાં શિક્ષણના કાર્યોને વેગ આપવાની સાથે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય તે માટે છેલ્લા બે દાયકામાં સરકારે અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે. જેના પરિણામે આજે દેશના અન્ય રાજયોમાંથી જ નહી પરંતુ વિદેશથી પણ વિદ્યાર્થીઓ અહિંયા શિક્ષણ મેળવવા આવી રહયાં છે.

મંત્રીશ્રીએ ૨૧ મી સદી એ યુવાઓની સદી છે, અને તેથી જ ગુજરાતમાં યુવાઓ – ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા રાજય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરીને તેમાં ૫૦૦ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી ઉપસ્થિત યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા પ્રેરણાત્મક સૂચન કર્યુ હતુ.

આ તકે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી ખાતે આઇડિયા લેબનું ઉદ્દઘાટન કર્યું હતું તથા  વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન જોઈન્ટ સેક્રેટરીશ્રી મેહુલભાઈ પટેલે અને અંતમાં આભાર વિધિ એ.ડી.આઈ.ટી.ના પ્રિન્સીપાલશ્રી વિશાલ સીંઘએ કરી હતી.

આ પ્રસંગે રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશ્નર શ્રી એમ.નાગરાજન, ટેક્નિકલ એજ્યુકેશનના કમિશ્નર શ્રી જી.ટી.પંડ્યા, ચારૂત્તર વિદ્યામંડળના ચેરમેનશ્રી ભીખુભાઈ પટેલ, સેક્રેટરીશ્રી એસ. જી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી સર્વશ્રી મેહુલભાઈ પટેલ, આર. સી. તલાટી અને વિશાલ પટેલ, શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. -દિનેશચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.