મહિલા એડવોકેટની હત્યા મુદ્દે મોટો ખુલાસો
હોટલમાં ગયા ત્યાં મનદુઃખ થતાં રોહિતે ચપ્પુ સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતાં પેટના ભાગે મારી દીધું હતું
સુરત, સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હોટલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી. જો કે, આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું હતું.
પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે હોસ્પિટલમાંથી રજા થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ૨૪ કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો. ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જો કે, બન્ને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના દોઢ વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી.
પોલીસ અધિકારીએ કહ્યું કે, રોહિત કાટકરે લવ મેરેજ કર્યા હતાં. વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયાને ભેગા પણ થયા હતાં. બન્ને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. બન્ને હોટલમાં મન દુઃખ ભૂલાવવા ગયા હતાં. ત્યાં ફર્યા પછી હોટલમાં ગયા ત્યાં મનદુઃખ થતાં રોહિતે ચપ્પુ સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતાં પેટના ભાગે મારી દીધું હતું. ત્યારબાદ રોહિતે ડોલો નામની ૪૫ ગોળીઓ લઈ લીધી હતી.
સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રે લેતા બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકી ગયો હતો. દોઢ વર્ષ અગાઉ તેમણે લગ્ન કર્યા હતાં. રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો. હાલ હોસ્પિટલમાંથી રોહિતને રજા મળતાં તેની ધરપકડ કરવામાં આવી છે.