અંકલેશ્વરમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર ના પદ્માવતી નગરમાં રહેતા એક દંપતિ વચ્ચે થયેલા ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને પોતાની પત્ની પર આડા સંબંધની શંકા રાખીને પતિએ તેણીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
અંકલેશ્વર નાં પદ્માવતી નગરમાં મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં દિલદારસિંહ ઉર્ફે મોનુસિંહ બચ્ચુસિંહ સિકરવાર ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.જ્યારે તેની પત્ની આશાદેવી અંકલેશ્વર ઝઘડીયા માર્ગ પર આવેલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.તેઓનાં ૮ વર્ષનાં દાંપત્ય જીવનમાં એક સંતાનનાં માતાપિતા પણ તેવો બન્યા હતા. આશાદેવીનાં પતિ દિલદારસિંહ નાં મનમાં પત્ની વિરુધ્ધ શંકાનું ઝેર ઉત્પન્ન થતા પતિપત્ની વચ્ચે રવિવારની સવારે ઉગ્ર ઝગડો થયો હતો અને ઉશ્કેરાયેલા દિલદારસિંહે પત્ની આશાદેવી નાં કપાળ પર કોઈક હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી.તે બાદ ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ સ્થાનિકોને થતા લોક ટોળા ભેગા થઈ ગયા હતા અને જીઆઈડીસી પોલીસને આ અંગેની જાણ કરી હતી.પોલીસે આશાદેવીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર પતિની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.