અફઘાનિસ્તામાં આત્મઘાતી હુમલો, છ સૈનિકના મોત
કાબુલ, અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવેલી સૈન્ય શિબિરને નિશાન પર લઈને કરવામાં આવેલા આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં છ અફઘાની સૈનિકોના મોત થયા છે. સંરક્ષણ મંત્રાલયે બાલ્ક પ્રાંતમાં થયેલા આ હુમલા માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.
આતંકવાદીઓએ વિસ્ફોટકોથી લદાયેલી કારમાં વિસ્ફોટ કર્યા બાદ પરિસર પર હુમલો કરી દીધો હતો. જવાબમાં અફઘાની સેનાએ પણ વળતો હુમલો કર્યો હતો અને અનેક કલાક સુધી ચાલેલી અથડામણ બાદ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા.
વિસ્ફોટ અને આતંકી હુમલાની આ ઘટનામાં છ સૈનિકો શહીદ થયા હતા અને તે સિવાય અન્ય ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. છેલ્લા થોડા સમયથી બાલ્ક ક્ષેત્રમાં તાલિબાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે. ગત મંગળવારે આતંકીઓએ દોલતાબાદ જિલ્લાની ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો જેમાં સાત અફઘાની સૈનિકોના મોત થયા હતા અને તે સિવાય ત્રણ સૈનિક અને ગુપ્તચર વિભાગના ત્રણ એજન્ટ ઘાયલ થયા હતા. તાલિબાની પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે તે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.