Western Times News

Gujarati News

અમદાવાદ-મહેસાણામાં રાધે ગ્રુપ અને મોરબીમાં સિરામિક ટાઈલ્સના વેપારી પર આઈટીના દરોડા

૧૦૦થી વધુ અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે ૧પથી ર૦ સ્થળોએ દરોડામાં જોડાયા

(એજન્સી)અમદાવાદ,
આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે વહેલી સવારથી મહેસાણામાં રિયલ એસ્ટેટની સાથે કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરતા રાધે ગ્રુપના બિલ્ડર અને તેમના ભાગીદાર તેમજ બે સિરામિક ટાઈલ્સના વેપારીઓ, ફાઈનાન્સર અને જમીન દલાલને ત્યાં અમદાવાદ, મહેસાણા, મોરબી, રાજકોટ, રાધનપુર અને વિજાપુર સહિત ૧પથી વધુ સ્થળે દરોડાની કામગીરી શરૂ કરી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ઈન્કમટેક્ષના અધિકારીઓએ રાધે ગ્રુપના બિલ્ડર મહેન્દ્ર પટેલ તેમજ તેમના ભાગીદારોના નામે ચાલતી ર૦થી રપ જેટલી સહભાગી કંપનીઓને પણ તપાસમાં આવરી લીધી છે. મોરબીમાં સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન કરતી બે ફેકટરીઓમાં પણ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં રૂ.૧૦૦ કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ અને કેટલીક કાચી ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં કરોડો રૂપિયાના હિસાબોમાં મોટો તફાવત મળી આવ્યો છે. રોકડ રકમ અને ઝવેરાત પણ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે હજુ તેનું વેલ્યુએશન ચાલી રહ્યું હોવાથી ચોક્કસ માહિતી મળી શકી નથી. રાધે ગ્રુપ મહેસાણામાં રાધે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના નામથી ઓળખાય છે અને બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોના નામે સહભાગી કંપનીઓ પણ ચાલી રહી છે. તમામ કંપનીઓ પણ ચાલી રહી છે.

તમામ કંપનીઓ અમદાવાદમાં આરઓસીમાં રજિસ્ટર થયેલી છે અને ૧૦થી ૧પ જેટલા ડિરેકટરના નામે અલગ અલગ કંપનીઓ શરૂ કરવામાં આવી છે. મોટા ભાગની કંપનીઓ મહેસાણામાં એક જ સરનામે નોંધાયેલી છે. કંપની દ્વારા મહેસાણા, વિસનગર, રાધનપુર રોડ ઉપર કોમર્શિયલ અને રેસિડેન્ટનું મોટા પાયે કામ શરૂ કરાયેલું છે. આ ઉપરાંત આ જ વિસ્તારોમાં કરોડો રૂપિયાની ટાઉનશીપ પણ બનાવવામાં આવ્યા છે.આવકવેરા વિભાગને દરોડા દરમિયાન કરચોરી અંગેના દસ્તાવેજો મોટી માત્રામાં મળ્યા છે, એટલું જ નહીં કોમર્શિયલ અને રેસિડેન્સન્લ સ્કીમ બનાવવા માટે ખરીદવામાં આવેલી જમીનો અને મકાનોના વેચાણના દસ્તાવેજોની હાલ ચકાસણી ચાલી રહી છે.

કેટલીક રકમ રોકડ સ્વરૂપમાં લીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. બિલ્ડરની કંપનીઓમાં બાબેભાઈ મોરડિયા, કૌશિકભાઈ ઘરધારિયા, નિલેશ માકડિયા, તુષાર મણિયાર, વિમલકુમાર કાલાવડિયા, વિજય કાલાવાડિયા સહિત ૧રથી ૧પ ડિરેકટર છે. આ ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડરના સગા-સંબંધીઓને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યા છે.મહેસાણા, રાધનપુર અને પાંચોટમાં પણ સ્કીમ બનાવવામાં આવી છે. દરોડાની કામગીરીના પગલે જમીન દલાલો અને ફાઈનાન્સરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લાંબા સમયના વિરામ બાદ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી શરૂ કરતાં બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.