અમદાવાદ DPS વિવાદ : મંજૂલા શ્રોફને HCમાંથી વચગાળાની રાહત, 7 જાન્યુઆરી સુધી ધરપકડ નહીં
- આ પણ વાંચોઃ- https://westerntimesnews.in/news/28954
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી. પોતાની ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં હતા ત્યારે હાઇકોર્ટે મંજૂલા શ્રોફને રાહત આપતા 7મી જાન્યુઆર સુધી મંજૂલાની ધરપકડ નહીં થાય. અગાઉ આરોપીઓ વગદાર હોવાથી કેસની તપાસને અસર પાડી શકે તે પ્રકારની સરકારની રજુઆતોને ગ્રાહ્ય રાખતા આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી.
બનાવટી દસ્તાવેજોને આધારે એનઓસી મેળવવાના ગુનામાં વિવેકાનંદ નગર પોલીસે ડીપીએસના મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ નોંધી હતી. જેની સામે ત્રણેય આરોપીની ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાથીજણ ખાતે આવેલી ડીપીએસ શાળાના સંચાલક મંજૂલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆએ કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેઓ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમની મિલકતો પણ અમદાવાદમાં છે તેઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.
તેમણે સરકાર સાથે કોઇ બનાવટ કરી નથી. તેમની સામે ખોટા આક્ષેપ કરાઇ રહ્યા છે. તેમને આગોતરા જામીન મળે તો તેઓ પોતાનો બિઝનેસ છોડીને ક્યાંય જવાના નથી. ત્રણેય આરોપીઓ ફરિયાદ નોંધાઈ ત્યારથી આજદીન સુધી ગુમ થઇ ગયાં છે. પોલીસ તેમની ધરપકડ કરી શકી નથી.