અમરેલીમાં સિંહે ખેત મજૂરને ફાડી ખાધો
અમદાવાદ: અમરેલીના દલખાણીયા રેન્જના કરમદડી બીટમાં આવેલા જીરા ગામમાં ખેત મજૂર કદુભાઇ મોતીભાઇ ભીલાડ (ઉ.વ.૫૫) કુદરતી હાજતે ગયો હતો. પરંતુ અચાનક પાછળથી આવેલા સિંહે ગળાના ભાગેથી દબોચી ૫૦૦ મીટર સુધી ઢસડી જઇ તેને ફાડી ખાધો હતો. ઠંડીના કારણે ઓઢેલી શાલ લોહીથી લથબથ મળી આવી હતી. તેમજ મજૂરનું પેન્ટ પણ લોહીના ડાઘ સાથે મળી આવ્યું હતું. ઘટનાસ્થળે લોહીથી ભરેલા ખાબોચીયા જોવા મળ્યા હતા.
મજૂરનો મૃતદેહ વાડીથી થોડે દૂર મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વન વિભાગ દોડી ગયું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં આ માનવભક્ષી સિંહને બેભાન કરી પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક કદુભાઇ ગામના જ ખેડૂત ચીમનભાઇ પોપટભાઇ બાંભરોલીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આજે વહેલી સવારે છ વાગ્યે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને અચાનક જ સિંહે તેના પર હુમલો કરી ઢસડી જઇ ફાડી ખાધા હતા. કદુભાઇનો મૃતદેહ વાડીથી થોડે દૂરથી મળી આવ્યો હતો. વન વિભાગે તેના મૃતદેહને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલો કરનાર સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. વાડી માલિક ચીમનભાઇએ જણાવ્યું હતું કે, વાડીમાં મજૂર રહે છે. આજે કદુભાઇ વહેલી સવારે કુદરતી હાજતે જતા હતા ત્યારે સિંહે અચાનક તેને ગળાના ભાગેથી પકડી ૫૦૦ મીટર સુધી દૂર ઢસડી ગયો હતો.
બાદમાં છાતીના ભાગમાં હુમલો કર્યો હતો. દીપડા અને સાવજોનો અવારનવાર ત્રાસ રહે છે. ગામ સુધી સાવજો આવી જાય છે. વન વિભાગ તેને પકડીને જંગલ વિસ્તારમાં લઇ જાય અથવા વાડીમાં મેડા બનાવી આપે તો ખેડૂતો સુરક્ષિત રહી શકે. ખેતમજૂરને જે સિંહે ફાડી ખાધો હતો તે સિંહને વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. સિંહ પકડાતા જ ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.