અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચેના શાબ્દિક યુદ્ધથી એક્સિસ બેંકને નુકશાન
થાણે, શિવસેના શાસિત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના કર્મચારીઓના બેંક ખાતાઓને એક્સિસ બેંકમાંથી એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે થયેલા ‘ટિ્વટર યુદ્ધ’ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમૃતા ફડણવીસ છટૈજ બૅંકમાં સીનિયર પદ પર બિરાજમાન છે. થાણેના મેયર નરેશ મહસ્કેએ ગુરુવારે બેઠક દરમિયાન બેંક ખાતાઓ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી.
આ પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્ર પોલીસકર્મીઓના બેંક ખાતાઓ છટૈજ બૅંકમાંથી જાહેર ક્ષેત્રની બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. એક્સિસ બેંકમાં પોલીસકર્મીઓના ખાતામાં વર્ષે ૧૧ હજાર કરોડની લેવડદેવડ થાય છે.
નોંધનીય છે કે અમૃતા ફડણવીસ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે ટિ્વટર યુદ્ધની મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. આની શરૂઆત અમૃતા ફડણવીસના ટિ્વટથી થઈ હતી. જેમાં અમૃતાએ પોતાના પતિ દેવેન્દ્ર ફડણવીસે કાંગ્રેસના રાહુલ ગાંધીના “મારું નામ રાહુલ સાવરકર નથી” વાળા નિવેદન પર કરેલા ટિ્વટને ટેગ કરીને લખ્યું હતું કે, નામ પાછળ ઠાકરે સરનેમ લગાવવાથી કોઈ ‘ઠાકરે’ નથી બની જતું.
ગત અઠવાડિયે અમૃતા ફડણવીસે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા પોતાના ટિ્વટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘ફક્ત નામ પાછળ ઠાકરે લગાવવાથી કોઈ ‘ઠાકરે’ નથી બની જતું.’આ અંગે પ્રિયંકા ચતુર્વેદીએ પલટવાર કરતા ટિ્વટર પર લખ્યું હતું કે, ”હા, ઠાકરે પોતાના નામ પર ખરા ઉતરી રહ્યા છે પરંતુ હંમેશાની જેમ તમે આની નોંધ નથી લીધી. તેમણે પોતાના વચનો પૂરા કર્યાં. પોતાના લોકોના કલ્યાણ માટે કામ કર્યા છે. તેમણે મહિનામાં જ ખેડૂતોના દેવા માફ કર્યાં છે. ૧૦ રૂપિયા ભોજનની સેવા શરૂ કરી છે.”
એટલું જ નહીં શિવસેના કોર્પોરેટર અમે ઘોલેએ અમૃતા ફડણવીસની સરખામણી આનંદીબાઈ સાથે કરી હતી. આનંદીબાય મહારાષ્ટ્રના ઇતિહાસમાં પોતાના જ ૧૭ વર્ષના ભત્રીજાની હત્યાનું કાવતરું રચવા માટે પંકાયેલા છે. આ સમયે તેના પતિ કારભાળ સંભાળી રહ્યા હતા અને ભત્રીજાના મોત બાદ તેમને ગાદી મળવાની હતી.આ અંગે જવાબ આપતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, અમુક રાજકીય કાર્યકરો તેમની પત્નીને ટ્રોલ કરવા માટે નીચલી પાયરી પર ઉતરી ગયા છે.
નોંધનીય છે કે મહિનાની શરૂઆતમાં પણ અમૃતા ફડણવીસ અને પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે બાલ ઠાકરે મેમોરિયલ બનાવવા માટે ઔરંગાબાદમાં ૧૦૦૦ ઝાડ કાપવાની મહારાષ્ટ્ર સરકારની યોજના અંગે ટિ્વટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.