અરવલ્લી કોંગ્રેસ સમિતિએ NRC વિરોધમાં આપ્યું આવેદનપત્ર: કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો ગેરહાજર રહેતા કાર્યકરોમાં રોષ
ભિલોડા: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)નો અમલ કરવાની મક્કમતા દર્શાવતા દેશના વિવિધ ભાગોમાં આ કાયદાનો વિરોધ ઉઠ્યો છે.અરવલ્લી જીલ્લામાં લઘુમતી સમાજ અને કોંગ્રેસમાં વિરોધ જોવા મળી રહ્યો છે જીલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સીએએ અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ના મુદ્દે વિરોધ વ્યક્ત કરી અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બિલ પરત લેવામાં આવેની માંગ સાથે બિલ પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
અરવલ્લી જીલ્લામાં ત્રણે વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા CAA અને NRC કાયદાના વિરોધમાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા અંગે જાણ કરવા છતાં ત્રણે ધારાસભ્ય માંથી એક પણ ધારાસભ્ય હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો લઘુમતી સમાજ કોંગ્રેસની કમિટેડ વોટબેંક હોવા છતાં ત્રણેય ધારાસભ્યોની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. ત્રણે ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી.
અરવલ્લી જીલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના કાદરઅલી સૈયદ,શહેર પ્રમુખ ઇકબાલ ઈપ્રોલીયા, હુસેનભાઈ ખાલક,ઝુલ્ફી મનવા સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણ બચાવો ની માંગ કરી હતી.