Western Times News

Gujarati News

આગામી ૩૧ માર્ચે મહત્વની ગુજકેટની પરીક્ષા લેવા નિર્ણય

files Photo

અમદાવાદ: ધોરણ-૧૨ સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા હવે આગામી તા.૩૧ માર્ચ,૨૦૨૦ના રોજ સવારે ૧૦-૦૦થી સાંજે ૪-૦૦ સુધીમાં પરીક્ષા લેવામાં આવશે.


શૈક્ષણિક વર્ષ જૂન ૨૦૧૯થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી શાળાઓમાં ધોરણ-૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઇઆરટીના પાઠ્‌યપુસ્તકનો અમલ છે. એનસીઇઆરટીના અભ્યાસક્રમ આધારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર થતાં જ હવે વિદ્યાર્થીઓ પણ તેની તૈયારીમાં જાતરાયા છે.

ખાસ કરીને ગુજકેટની પરીક્ષાના પરિણામનું આગળના અભ્યાસમાં ઘણું મહત્વ હોઇ અને તે કારકિર્દીમાં આગળ વધવામાં નિર્ણાયક સાબિત થતુ હોઇ વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષામાં ભારે મહેનત કરી ઉંચા માર્કસ લાવવાનો પ્રયાસ થતો હોય છે.  ગુજકેટ માટેના આવેદનપત્ર ભરવાની માહિતી પુસ્તિકા ઓનલાઈન મૂકવામાં આવશે તેમ બોર્ડે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ આવેદનપત્ર સાથે ફી રૂ.૩૦૦ ઓનલાઈન ભરવાના રહેશે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ગ્રુપ-એ, ગ્રુપ-બી તેમજ ગ્રુપ-એ,બી ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. શિક્ષણ બોર્ડે ૨૦૧૭થી ગુજકેટને ફરજીયાત બનાવી છે. આ કોમન એન્ટ્રસ ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે મેરિટ પર વિદ્યાર્થીઓને રાજ્યમાં વિવિધ એન્જિનીયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા તેમજ ફાર્મસી બેઠકો પર પ્રવેશ ફાળવવમાં આવે છે.બોર્ડે જણાવ્યા મુજબ ગુજકેટમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું ૪૦-૪૦ પ્રશ્નોનું એટલે કે કુલ ૮૦  પ્રશ્નોનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું તેટલા જ માર્કટનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. સંયુક્ત પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓને ૧૨૦ મિનિટનો સમય ફાળવાશે જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના પેપર માટે ૬૦ મિનિટ (એક કલાક)નો સમય ફાળવાશે. ઓએમઆર આન્સર શિટ પર વિદ્યાર્થીઓએ પોતાના જવાબો લખવાના રહેશે અને પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.