ઉત્તરપ્રદેશના બિજનૌરમાં કોર્ટમાં જ ગોળીબાર- જજ સમક્ષ આરોપીની હત્યા
૨૫-૨૬ રાઉન્ડ ગોળીબારથી ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ
બિજનૌર, ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. આ ગાળા દરમિયાન બહુજન સમાજ પાર્ટીના નેતાની હત્યાના આરોપીને ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ સમગ્ર મામલો એ વખતે બન્યો હતો જ્યારે સીજેએમ કોર્ટમાં મામલાની સુનાવણી ચાલી રહી હતી. સીજેએમ યોગેશકુમાર ગોળીબારની ઘટનામાં સહેજમાં બચી ગયા હતા. ગોળીબારના બનાવ બાદ કોર્ટ સંકુલમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે.
બિજનૌર સીજેએમ કોર્ટમાં મંગળવારે બપોર સુધી તમામ બાબત યોગ્યરીતે ચાલી રહી હતી. કોર્ટરુમમાં હત્યાના આરોપી શહનવાઝના મામલામાં સુનાવણી ચાલી રહી હતી. તેના ઉપર બસપના નેતા અહેશાન અહેમદ અને તેના ભત્રીજાની હત્યાના આરોપો છે. આ ગાળા દરમિયાન ગોળીબારનો અવાજ શરૂ થઇ ગયો હતો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. હુમલાખોરોએ આરોપી શહનવાઝને કોર્ટની અંદર જ ગોળીથી છન્ની કરી દીધો હતો. કોર્ટની અંદર ૨૫થી ૨૬ રાઉન્ડ ગોળીઓ ચાલી હતી.
એસપી સંજીવ ત્યાગીએ માહિતી આપતા કહ્યું હતું કે, અહેસાનનો પુત્ર સહિત બે લોકો કોર્ટમાં પહોંચ્યા હતા અને શહનવાઝ ઉપર ગોળીબાર કર્યો હતો. શહનવાઝને અનેક ગોળીઓ વાગી હતી જેમાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. અફડાતફડીના માહોલ વચ્ચે પોલીસે અહેશાનના પુત્ર શાહીદ અને ત્રણેયને કોર્ટમાં બંધ કરી દીધા હતા.
કોર્ટને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા બાદ ત્રણેયને પકડી પડાયા હતા. જજની સામે જ દરવાજા બંધ કરીને હાજરી માટે આવેલા આરોપી શહનવાઝની હત્યા કરવામાં આવી હતી. શહનવાઝની ગણતરી મઉમાંથી બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારીના નજીકના વ્યક્તિ તરીકે થતી હતી.