ઊંઝા ખાતે લક્ષકુંડી મહાયજ્ઞમાં છેલ્લા દિવસે ભાવિકોનો મહેરામણ ઉમટ્યો
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લામાંથી પણ મોટો ભાવિકોનો મહેરામણ ઊંઝા ખાતે લક્ષકુંડી મહાયજ્ઞમાં ઉમટી પડ્યો હતો.યજ્ઞદર્શન,૫૧ શક્તિ પીઠ દર્શન,યજ્ઞ પરિક્રમા ઉપરાંત ધર્મસભામાં સંતો-મહંતોના સત્સંગ અને દિવ્ય જ્ઞાનવાણીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. જિલ્લાના તમામ તાલુકા ઉપરાંત મોડાસા તાલુકાના મોટી ઇસરોલ,આનંદ પુરાકંપા, સાકરીયા, ઉમેદપુર (બો)અને જીતપુર, બાયડના રેલકંપા સહિતના આસપાસના જુદા જુદા સંખ્યાબંધ ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ શનિવારે આ મહાયજ્ઞના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મોટી ઈસરોલથી રામદેવ ઉપાસક પૂ. હીરાદાદાએ પણ સતત બીજીવાર ઊંઝા પહોંચીને આ ઐતિહાસિક યજ્ઞ મહાઉત્સવનો લ્હાવો લેવા સાથે ધર્મસભામાં રોજ ચાલતા સંતો-મહંતોના દિવ્ય સત્સંગનો લહાવો લીધો હતો.
જેમાં વડાલીથી જિલ્લાના સહકારી આગેવાન , જિલ્લા સ.ખ.વે.સંઘના પૂર્વ ચેરેમેન, સાબરડેરી ડિરેકટર જ્યંતિભાઈ વિરચંદભાઈ પટેલ(પાટીદાર સિડઝવાળા)પણ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ અહીં સેવધારી તરીકે સેવા આપી રહ્યા હતા. અહીં સતત ચોથા દિવસે સાકરીયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો શનિવારે પણ લક્ષકુંડી મહાયજ્ઞમાં ઉમટી પડયા હોવાનું સાકરીયાના કૌશિક બી.પટેલ અને વણીયાદના સી.એ.ભૌમિક પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું.