ઊંઝા યાર્ડને વિશ્વ પ્રસિદ્ધ કરવામાં નારાયણ કાકાનો સિંહફાળોઃ રૂપાલા
પીઢ સહકારી આગેવાનના ૮૭મા જન્મ દિવસની ઉજવણીમાં રૂપાલા, નીતિન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા
ઊંઝા, ઉંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે રાજકીય અને પીઢ સહકારી આગેવાન તેમજ પૂર્વ મંત્રી નારાયણ કાકાના ૮૭મા જન્મ દિવસની ઉજવણી નિમિતે તથા શ્રી મહાદેવના થાળ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જનસંઘથી ભાજપ સુધી વિચારયાત્રા સેવાયાત્રા કરી છે તેવા નારાયણ કાકાને શુભેચ્છા પાઠવું છું. ઉમિયા માતાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદથી આજે પણ તંદુરસ્તી જોવા મળી છે.
મારા અને નારાયણ કાકાના ખાટા મીઠા પ્રસંગો યાદ આવે છે. કાકા સફળ થયા એના પાછળ કાકીનો વિશેષ ફાળો છે નારાયણ કાકા તંદુરસ્ત દીર્ધાયુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે નારાયણ કાકાના ૮૭માં જન્મ દિવસની ઉજવણીમાં મને સાક્ષી થવાની તક આપી એ બદલ પરિવારનો આભાર માનું છું. કાકાએ ૮૭ વર્ષના યુવાન છે ૬૦ વર્ષના અનુભવ સાથે, આજે પણ પાર્ટી માટે સક્રિય છે.
૧૯૯૦માં અમે બંને જિલ્લા ભાજપ પ્રમુખ હતા હું અમરેલી અને કાકા મહેસાણાના હતા. કાકાની સતત ચૂંટણીઓમાં જીત થતી. ભાજપની અડીખમ યાત્રામાં થાંભલાના પીલ્લર સમાન એક નારાયણ કાકા છે. કાકાએ પાલિકાથી લઈ મંત્રી સુધી કામ કર્યુ છે.
આજે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ્ની જે નહેરો ચાલે છે તે કાકાની પ્રગતિ છે. ઉંઝા માર્કેટયાર્ડને વિશ્વ પ્રસિદ્ધ કરવામાં કાકાનો ફાળો છે. સુજલામ સુફલામ પહેલું પાણી ઉત્તર ગુજરાતમાં છોડવામાં આવતા લોકોના આંખમાં હરખના આંસુ આવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલું કામ નર્મદા નદીનું પાણી સાબરમતી નદીમાં છોડવાનું કર્યું હતું બાદમાં સૌની યોજના સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા. સહકારી મંડળીઓ ગ્રામીણ અર્થતંત્રનું કેન્દ્ર છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું તેઓને તંદુરસ્તી સારી રહે તેવી પ્રાર્થના કરું છું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી રજનીભાઈ પટેલ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઉંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, વિસનગર સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ,
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ઉંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને નારાયણકાકાના પરિવારજનો ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.