Western Times News

Gujarati News

એસ.પી.રિંગરોડ ને અપગ્રેડ કરવા રૂ.૩૦૦ કરોડ ખર્ચ થશે

ઔડાના બજેટમાં જાહેરાત
કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ અને બારેજામાં ૨૫૦ કરોડના ખર્ચે રોડ બનશેઃ દેવાંગ દેસાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૨૨૩૧ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના ફરતે આવેલા ૭૬ કિમીના સરદાર પટેલ રિંગ રોડને સિક્સલેન કરવામાં આવનાર છે. રિંગ રોડ પર સર્વિસ રોડ બનીને કુલ ૧૦ લેન બનશે. નવો બનનાર ૬ લેન રિંગ રોડ પર હાલમાં ચૂકવવામાં આવતા ટોલ કરતા દોઢ ગણો વધુ ટોલ ચૂકવવો પડી શકે છે નાના-મધ્યમ વાહનો પાસેથી પણ ટોલ વસૂલ કરવા અંગે ઔડા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

રિંગ રોડને એકસપ્રેસ વે જેમ બનાવવામાં આવશે. જેમાં ટુ વ્હીલર, નાના-મધ્યમ વાહનો અને ભારે વાહનો અલગ-અલગ લેન પર ચાલશે. ઔડા ના સીઈઓ દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૨૨૩૧ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. સરદાર પટેલ રિંગ રોડને અપગ્રેડ કરવા પાછળ રૂ. ૩૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. રિંગ રોડને સિક્સ લેન કરવામાં આવનાર છે. રિંગ રોડ પર સર્વિસ રોડ સાથે મળીને કુલ ૧૦ લેન બનશે. જેમાં એકસપ્રેસ વે મુજબ હોવાના કારણે અલગ લેન બનશે તેમજ નવો બનનાર ૬ લેન રિંગ રોડ પર હાલમાં ચૂકવવામાં આવતા ટોલ કરતા દોઢ ગણો વધુ ટોલ ચૂકવવો પડી શકે છે.

ઔડા દ્વારા રજૂ કરવામાં આવેલાં બજેટમાં નવા રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ અને બારેજામાં રૂ. ૨૫૦ કરોડના નવા રોડ બનાવવામાં આવશે. રોડ રિપેરિંગ અને જાળવણી માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રિંગ રોડ પર જમીન કેચમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે.વોટર મેનેજમેન્ટ માટે પર્કોલેટિંગ વેલ વગેરે બનાવવામાં આવશે. સાણંદમાં આવેલા STP પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવશે. ઔડા હસ્તકના સાણંદ ગ્રોથ સેન્ટરમાં આવેલી ટી.પી.સ્કીમ નં.૧થી ૧૦B સુધીની ટી.પી. સ્કીમોમાં ઔડા દ્વારા પાયાની સુવિધા તેમજ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવાનું આયોજન છે.

જેમાં વિવિધ ટી.પી.સ્કીમોના રોડના કામો, ગાર્ડન અને લેક ડેવલપમેન્ટ (ગ્રીન ઈન્ફાસ્ટ્રક્ચર) તથા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર (લાયબ્રેરી,સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ, સિવિક સેન્ટર, ઓડિટોરીયમ હોલ) જેવી સુવિધાના કામોનું આયોજન ઔડા દ્વારા હાથ ધરવામાં આવશે. ઔડા દ્વારા મણીપુર-ગોધાવી ટી.પી. ૪૨૯ જે ગોધાવી ગામ નજીક આવેલી છે તેને મોડલ ટી.પી. સ્કીમ બનાવવામાં આવશે.

મોડલ ટી.પી. સ્કીમના ઈન્ફાસ્ટ્રકચરને ધ્યાને લઈ મોડલ ટી.પી. સ્કીમ અંતર્ગત રોડ ડેવલપમેન્ટ જેમાં સાયકલ ટ્રેક, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ જંકશન ડેવલપમેન્ટ, ગેસ તથા ટેલીકોમ કેબલ નાંખવા અંગેની યુટીલીટી ડક્ટ, કર્બીગ ઉપરાંત ગ્રીન ઈન્ફાસ્ટ્રકચર જેવા કે, લેક ડેવલપમેન્ટ, પાર્ક-ગાર્ડન તેમજ અન્ય સોશિયલ અને ડિજીટલ ઈન્ફાસ્ટ્રકચરની કામગીરી ઔડા દ્વારા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.