કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા રાજીનામું આપવાની જાહેરાત કરતા ભાવુક થયા
બેગ્લુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આજે તેમણે રાજ્યપાલને મળીને રાજીનામું સુપરત કર્યું હતું. યેદિયુરપ્પા સરકારે સોમવારે બે વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં યેદિયુરપ્પાએ તેમના બે વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ વિશે જણાવ્યા પછી કહ્યું કે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે અને બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળ્યા બાદ હું રાજીનામું આપીશ અને યેદિયુરપ્પાએ રાજયપાલને રાજીનામું આપી દીધુ હતું હવે તમામની નજર કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન કોણ હશે તે તરફ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ જાેશી, બીએલ સંતોષ, લક્ષ્મણ સવદી, ડેપ્યુટી સીએમ મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ,
અશ્વત નારાયણ, ડીવી સદાનંદ ગૌડા, બસવરાજ બોમ્મઈ, વિશ્વેશ્વરા હેગડે વગેરે નામ સામેલ છે.
યેદિયુરપ્પાએ તેમની સરકારના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે વિધાનસભામાં બોલતાં રાજીનામાની બાબતે ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે આ બે વર્ષ કોરોનાને લીધે લીટમસ પરીક્ષણ જેવું હતું પરંતુ અમે સખત મહેનત કરી. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ તેમને કેન્દ્રમાં પ્રધાન બનવાનું કહ્યું હતું પરંતુ તેમણે કર્ણાટકની સેવાને પણ પ્રાથમિકતા આપી હતી અને આજે પણ તેઓ કર્ણાટકની સેવામાં રોકાયેલા છે.તેમણે કહ્યું હતું કે તેમની પર હાઈ કમાન્ડનું કોઈ પ્રેશર નથી. મેં પોતે જ રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામનું સૂચન કર્યું નથી. પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશ. કર્ણાટકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ તેમણે આભાર માન્યો છે.
આ પહેલા યેદિયુરપ્પાએ ૩૧ જુલાઈ ૨૦૧૧ના રોજ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ૩૦ નવેમ્બર ૨૦૧૨માં કર્ણાટક જનતા પક્ષ નામની પોતાની પાર્ટી બનાવી. હકીકતમાં યેદિયુરપ્પાના આ પગલાની પાછળ લોકાયુક્ત દ્વારા ગેરકાયદે ખાણની તપાસ કરાઈ હતી. આ તપાસમાં યેદિયુરપ્પાનું નામ સામે આવ્યું હતું. એનું નુકસાન પણ ભાજપને જ વધારે થયું હતું. ૨૦૧૪માં યેદિયુરપ્પા ફરી ભાજપમાં સામેલ થયા.
ત્યાર પછી ૨૦૧૮માં કર્ણાટકમાં રાજકીય નાટક દરમિયાન પહેલા અઢી દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને પછી ઈમોશનલ સ્પીચ આપીને સત્તા છોડી. ફરી ૨૦૧૯માં બહુમત સાબિત કરીને મુખ્યમંત્રી બનવાની પ્રક્રિયામાં હાઈ કમાન્ડ સામે યેદિયુરપ્પાનું કદ વધી ગયું હતું.
માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં વર્ષ ૨૦૨૩ સુધીની આગામી ચૂંટણી સુધી તેઓ મુખ્યમંત્રી રહેશે પરંતુ એવું ન થઈ શક્યું. અંતે શું કારણ છે જેને લીધે તેમને ફરી ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે.૧. શરૂઆતથી જ પાર્ટીમાં વિરોધ હતો. પાર્ટીના સીનિયર નેતા તેમનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે યેદિયુરપ્પા તેમને અવગણે છે. નવા લોકોને વધુ અગત્યતા આપે છે.૨. એક વર્ષથી પાર્ટી હાઇકમાન્ડનું દબાણ. મૂળે, જ્યારે રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાને લઈને અસંતુષ્ટ થવાનું શરૂ થયું અને પોતાની ફરિયાદો લઈને હાઇકમાન્ડને મળવા લાગ્યા તો પાર્ટીએ છેલ્લા એક વર્ષથી જ તેમની પર દબાણ વધારી દીધું હતું. એવામાં લાગી રહ્યું હતું કે તેમણે જવું જ પડશે.
૩. જ્યારે રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેશન થવાનું હતું તો યેદિયુરપ્પાએ કેન્દ્રએ પોતાના તરફથી અનેક નામ મોકલ્યા હતા પરંતુ પાર્ટી હાઇકમાન્ડે તેમની ભલામણોને ગંભીરતાથી લીધી નહોતી. તેના કારણે પણ સ્પષ્ટ થઈ ગયું કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડના ફેવરિટ નથી રહ્યા. આ તેમના માટે પદથી હટવાનો પહેલો અને સ્પષ્ટ સંકેત હતો.૪. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાની વિરુદ્ધ ખુલીને નિવેદન આપી રહ્યા હતા પરંતુ હાઇકમાન્ડે કોઈની ઉપર પણ કોઈ કાર્યવાહી ન કરી. એવું માનવામાં આવ્યું કે આ બધું પાર્ટી હાઇકમાન્ડની રાહબરી હેઠળ તઈ રહ્યું છે. આ બીજાે સંકેત હતો કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડની પસંદ નથી રહ્યા. તેમણે જવું પડશે.
૫. રાજ્યમાં પાર્ટીના નેતા ઉપરાંત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી હતી કે તેમના દીકરા બીવાય વિજેન્દ્ર પ્રોક્સી મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા.૬. બીજેપી હાઇકમાન્ડ ઈચ્છતું હતું કે બીએસ યેદિયુરપ્પાના સ્થાને રાજ્યમાં તાકાતવાન નેતાઓની બીજી હરોળ ઊભી કરવામાં આવે જેથી વર્ષ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી તેમની જ આગેવાનીમાં લડવામાં આવે.૭. રાજ્યાના મીડિયામાં જે અહેવાલો આવ્યા, તેનાથી એવું પણ લાગ્યું કે જાે એક તરફ તેઓ બીજેપી હાઇકમાન્ડની પસંદ નથી રહ્યા તો આરએસએસ પણ તેમને પસંદ નહોતી કરતી. હવે રાજ્યમાં જે નેતા મુખ્યમંત્રી બનશે, તે શક્ય છે કે આરએસએસની પસંદના હોઈ શકે.