કાંકરિયા તળાવમાં થીમ બેઝ આઇલેન્ડ તૈયાર કરવામાં આવશે
(પ્રતિનિધિ)અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વર્ષ ૨૦૦૮માં ઐતિહાસિક કાંકરિયા તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે સમયે સહેલાણીઓ માટે ટોય ટ્રેન, કિડ્સ સીટી, તીથર્ડ બલૂન જેવા આકર્ષક તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સમયાંતરે વોટર સ્પોટ્ર્સ એક્ટિવિટી, બટરફ્લાય પાર્ક વગેરેનો ઉમેરો કરવામાં આવ્યો હતો તેમજ વર્ષો જુના બાલવાટિકાને પણ હાલ નવા રૂપરંગ આપવામાં આવી રહયા છે. હવે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કાંકરિયા ફ્રન્ટમાં થીમ બેઝ આઇલેન્ડ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરવામાં આવ્યા છે.
કાંકરિયા લેક ફ્રન્ટના સૂત્રોએ જણાવ્યા મુજબ કાંકરિયા તળાવમાં સહેલાણીઓ માટે નવું નજરાણું તૈયાર કરવામાં આવશે. કાંકરિયા તળાવમાં થીમ બેઝ તરતો આઇલેન્ડ બનાવાશે. જેના માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરવામાં આવ્યા છે.જેને અંતિમ ઓપ આપવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. થીમ બેઝ આઇલેન્ડ માટે ૬ હજાર ચો.મીટર જગ્યા ફાળવવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવશે.જેના માટે કોન્ટ્રાકટરને ૧૦ વર્ષ માટે ભાડે જગ્યા આપવામાં આવશે, અને વધુ ૫ વર્ષ માટે કોન્ટ્રાક્ટ લંબાવવાની મંજૂરી પણ આપવામાં આવી શકે છે. આઇલેન્ડ ડેવલપ કરવા માટે કોન્ટ્રાકટરને આઠ મહિનાનો સમય અલગથી આપવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરે કાંકરિયા લેક સુધી લાઈટ , પાણીના કનેક્શન, ફિલ્ટરેશન સહિતનો ચાર્જ સંભાળવાનો રહેશે, તેમજ લોકોની સુરક્ષા અને સેફ્ટીની જવાબદારી લેવાની રહેશે. તેમજ સુરક્ષાના સંપૂર્ણ સાધનો પણ વસાવવા પડશે.આ સહિત તમામ સેફ્ટીના સર્ટિફિકેટ અને મંજૂરી પણ કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારીથી લેવી પડશે.સાબરમતી રિવરફ્રન્ટ માં પણ આ પ્રકારનો આઇલેન્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે ૨૫ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ નવીનીકરણ થયેલા કાંકરિયા ફ્રન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તે સમયે તેમણે દર વરસે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાર્નિવલની ઉજવણી કરવા આહવાન કર્યું હતું. તે સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વરસે કાંકરીયા પરિસરમાં ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાર્નિવલ ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કાર્નિવલ સમયે નવીનીકરણ થયેલ બાલવાટિકાનું લોકાર્પણ થઈ શકે છે. તેવી જ રીતે કિડ્સ સિટીના નવીનીકરણ માટે પણ પ્રયાસ ચાલી રહયા છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.